આઇ.પી.એલ.ના પ્રથમ દિવસે અંજારમાં ક્રિકેટનો સટ્ટો લેતા બેની વિકેટ પડી

ગાંધીધામ, તા. 24 : અંજાર-ગળપાદર ધોરીમાર્ગ પાસે શિવરામનગરમાં પાણીના પ્લાન્ટની બાજુમાં આવેલી વાડીમાં આઇ.પી.એલ.નો સટ્ટો રમતા બે શખ્સની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રૂા. 21,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંજાર-ગળપાદર ધોરીમાર્ગ નજીક શિવરામ નગરમાં પાણીનો પ્લાન્ટ ધરાવતા ખેડોઇના પ્રદીપસિંહ જાડેજાની વાડીમાં ગઇકાલે રાત્રે પોલીસે છાપો માર્યો હતો. આ વાડીમાં વિજયસિંહ નારાણસંગજી ઉર્ફે નારૂભા જાડેજા અને હિતેશ ચંદ્રકાંત ઠક્કર નામના શખ્સો આઇ.પી.એલ. ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ બન્ને શખ્સોની વાડીમાંથી ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂા. 750, સટ્ટા માટે વપરાતા ચાર મોબાઇલ તા. 23-2-2019 આઇ.પી. એલ. સી.એસ.કે. વિ. આર.સી.બી. અને નીચે નામ તથા આંકડા લખેલી એક ડાયરી એમ કુલ રૂા. 21,750નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ બન્ને શખ્સો કયાંથી લાઇન લેતા હતા અને કોને-કોને ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા, તેમના ગ્રાહક કોણ હતા, ઉપરની લાઇન કઇ છે વગેરે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આઇ.પી.એલ.ના પ્રથમ દિવસે જ બે સટ્ટોડિયાની વિકેટ પડતાં આવા તત્ત્વોમાં છૂપો ભય ફેલાયો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer