એક માસ જૂના ડીઝલ ચોરીના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા

ગાંધીધામ, તા. 24 : ભુજના અમનનગર ચાર રસ્તા નવા રેલવે મથકની નજીક હિના પાર્કની બાજુમાં એક મહિના અગાઉ થયેલ ડીઝલ ચોરીના બનાવમાં એલ.સી.બી.એ બે ઇસમોની અટક કરી રૂા. 16,800નું ડીઝલ જપ્ત કર્યું હતું. ભુજના હિના પાર્કની બાજુમાં રહેતા ગની હારૂન લોટા (કુંભાર)ના ટેમ્પો નંબર જી.જે. 12- બી.ટી. 2749માંથી એક મહિના અગાઉ રૂા. 28,000ના 350 લિટર ડીઝલની ચોરી થઇ હતી, જેનો ભેદ એલ.સી.બી.એ ઉકેલી લેતાં ગઇકાલે રાત્રે ભુજના બી- ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. સ્થાનિક ગુના શોધક શાખાએ ભુજના આત્મારામ સર્કલ પાસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, દરમ્યાન બાતમીવાળી સિલ્વર રંગની ર્સ્કોપિયો કાર નંબર જી.જે. 12-એ.કે. 9985 આવતાં પોલીસે તેને અટકાવી હતી અને તેમાં રહેલ ડીઝલ અંગે પુરાવા માગ્યા હતા, જે ન આપી શકતાં ખાવડાના અકબર ઇબ્રાહીમ સમા અને રિયાઝ રાયબ સમાની અટક કરી હતી. આ ઇસમો પાસેથી રૂા. 16,800નું 280 લિટર ડીઝલ કબજે લેવામાં આવ્યું હતું. આ ઇસમોએ તેમજ નાના દિનારાના મજીદ બિધિયા સમા આ ત્રણેયએ એકાદ મહિના પહેલાં ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરી હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી હતી. પકડાયેલા આ બન્ને તેમજ ડીઝલ બી-ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer