અંજારની કચેરીઓ અને બેંકોમાં દિવ્યાંગો માટે નિયમ મુજબ ઢાળ નથી

અંજાર, તા. 24 : અહીં દિવ્યાંગ મંડળ-કચ્છની મળેલી બેઠકમાં અંજારની સરકારી કચેરીઓ અને બેંકોમાં દિવ્યાંગોની અવર-જવર માટે નિયમ મુજબ ઢાળ ન હોવા બાબતે  રોષ વ્યકત કરી તંત્રને  યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવા નિર્ણય લેવાયો હતો. ગોમતીબેન ચાવડાના અધ્યક્ષસ્થાને અને કચ્છ દિવ્યાંગોના મોભી શામજીભાઇ આહીરની ખાસ ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં અંજારમાં જાહેર જગ્યાઓ જેવી કે મામલતદાર ઓફિસમાં ઢાળ કે ગ્રીલ, દેના બેંકમાં પણ નથી. એસ.ટી. ડેપો, સ્ટેટ બેંક, તા.પં. કચેરીમાં આ ઢાળ નિયમ મુજબ નથી. તમામ જાહેર જગ્યાએ નિયમ મુજબ ઢાળ બનાવવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો. કચ્છમાં 26/1/2001ના ભૂકંપગ્રસ્ત 101 પેરાપ્લેજિયા દર્દી હતા, જેમાંથી 73 હાજરમાં છે. સરકારે તો આ લોકો માટે હાથ જ ઊંચા કરી લીધા છે અને હવે સમાજ-પરિવાર ઉપર જ આધાર છે. દિવ્યાંગ કચ્છ સમાજના  મોભી શામજીભાઇએ આ લોકોને  શક્ય એટલા રૂબરૂ મળવાનો પ્રયત્ન કર્યો અને એમના વિચારો જાણ્યા અને આજે બેઠક બોલાવીને  એમને સૌરાષ્ટ્ર દર્શન દાતાઓની મદદથી કરાવવા જણાવ્યું. તેને ઉપસ્થિત તમામે વધાવી વિશ્વ વિકલાંગ દિન અંજાર ખાતે ઉજવણીમાં જે ફંડ વધ્યું છે તે વાપરવા સહમતી આપી હતી અને ખૂટતા ફંડની વ્યવસ્થા દાતાઓની મદદથી કરવા તેમજ આ મહિલાઓને અનુરૂપ વાહનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ભૂકંપથી  લઇને આજ દિવસ સુધી આ લોકો પથારીગ્રસ્ત છે. તેમને બહારની દુનિયાથી વાકેફ કરવા, હતાશામાંથી બહાર લાવવા આ આયોજન કરાઇ રહ્યું છે. બિટાવલાડિયાના સરપંચ અને દિવ્યાંગ મંડળ-કચ્છના પ્રમુખ જગદીશભાઇ વીરડાએ રૂા. 10,000 પોતાના તરફથી જાહેર કર્યા. શામજીભાઇએ યોગ્ય ફંડ અપાવવા ખાતરી આપી હતી. આ બહેનોની ટૂરમાં આગેવાની ગોમતીબેન ચાવડા, હંસાબેન, તેજીબેન વગેરે સંભાળશે. બેઠકમાં નરેશભાઇ સોલંકી,  જગદીશ ગઢવી, વલાડિયા ઉપસરપંચ શંભુભાઇ રામજી, ચાંદ્રોડા સરપંચ વાલજીભાઇ બકુત્રા, હંસાબેન તથા યોગેશ ડાંગર વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer