લખપત તાલુકાના 61 ખેડૂત ખાતેદારોના નામે 25 કરોડનું ધિરાણ લેવાયાનું કૌભાંડ ખૂલ્યું

લખપત તાલુકાના 61 ખેડૂત ખાતેદારોના નામે 25 કરોડનું ધિરાણ લેવાયાનું કૌભાંડ ખૂલ્યું
દયાપર (તા. લખપત), તા.20 (પ્રતિનિધિ દ્વારા) : તાજેતરમાં જ માતાના મઢના એક ખેડૂતના નામે સવા કરોડ જેટલી રકમની લોન લઇ છેતરપિંડી થવાની અજાણ્યા શખ્સો સામે  ફરિયાદ દાખલ થયા બાદ આજે આ તાલુકાના ભાડરા, આશાપર, લીફરીના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 24,64,11960ની રકમની લોન તેમના નામે  પરબારી લઇ મોટું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ દયાપર પોલીસ સ્ટેશને અપાઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ ગુનો દાખલ કરાશે તેમ કહ્યું હતું. અરજદાર વેરસલજી મોડજી તુંવર અને તેમની સાથે 61 ખેડૂતોની સહીવાળા પત્રથી દયાપર પોલીસ સ્ટેશને આ ફરિયાદ અપાઇ હતી, જેમાં ખેતીની જમીન ધરાવનારા ખેડૂતોની જાણ બહાર કોઇ?લેભાગુ તત્ત્વોએ શ્રી રત્નાકર બેન્ક ભીરંડિયારા (તા. ભુજ) શાખામાંથી તેમના નામે બોગસ આધાર પુરાવાઓ ઊભા કરી ખોટી સહીઓ કરી મિલકત પરજાણ બહાર લોન ઉપાડી લીધી હોવાનું જણાવાયું છે. આ બાબતે રત્નાકર બેન્ક ભીરંડિયારા તા. ભુજ તપાસ કરતાં આ ખેડૂતોને  1થી 7 ઇસમોના ખાતામાં રૂપિયા જમા થયા છે. તેમનું અને લોનધારકોમાં ભોગ બનેલાઓનું લિસ્ટ અપાયું હતું. ભોગ બનનારામાં લખપત તાલુકા ભાજપના પ્રમુખ વેરસલજી મોડજી તુંવર પણ સામેલ છે, જેમના નામે 18,78,16194ની રકમ લોન પર લેવાઇ છે. મોટાભાગના  નામો આશાપર, ભાડરાના છે. 62 ખેડૂતોમાંથી 29 ભાડરાના ખેડૂતો અને 19 નામ આશાપરના ખેડૂતોના છે, તો સામજિયારો, જુણાગિયા, માતાના મઢ, ભારાપર (કોટડા), કોટડા મઢ, ખાનાય, વાંકુ, નલિયા, લીફરી તેમજ નખત્રાણા તાલુકાના ઢોરા, લીફરી, અરલ મોટી, ઉગેડી ગામના ખેડૂતોના નામે પણ લોન લેવાઇ છે. ફરિયાદ સાથે સામેલ લિસ્ટમાં આ રકમ નલિયા કેડીસીસી બેન્કમાં જમા થઇ?હોય તેવા સાત નામનું લિસ્ટ પણ જોડાયલું છે જે એક જ પરિવારના હોય તેમ લાગે છે. મોટી રકમમાં જોતાં 31 લાખ, 35 લાખ, 49 લાખ, 33 લાખ, 64 લાખ, 53 લાખ જેટલી મોટી રકમ પણ અમુક ખેડૂતોના લોનમાં દર્શાવેલી છે. બેન્ક દ્વારા આટલી મોટી રકમ લોન પર  આપતાં કેટલા ડોક્યુમેન્ટ અને ખરાઇ કરવી પડતી હોય છે. ત્યારે આ કેસમાં ખરેખર શું થયું છે ? તેવા ઘણા સવાલો ઊભા થયા છે.અગાઉ જેનું નામ ચમક્યું હતું તેના નામ આ 7 જણ કે જેના રકમ જમા થઇ છે, તેમાં સૌથી પહેલું નામ દેખાય છે. જો આ કૌભાંડની તપાસ થશે તો  મોટા માથાંઓ પણ નીકળે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.દયાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ફરજ પરના કર્મચારીએ જણાવ્યું હતું કે, ફરિયાદ અરજી મળી છે, તેની યોગ્ય તપાસ કરી એફ.આઇ.આર.નો નિર્ણય લઇ શકાશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આમાં એક ખેડૂતનું 35 વર્ષ પહેલાં મૃત્યુ થઇ ગયેલું છે, છતાં તેના નામે લોન લેવાઇ છે. વર્ષ 2014માં આ લોનનું કૌભાંડ આચરાયું હોય તેવી આશંકા આ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે, જેમાં સત્ય શું છે તે ટૂંક સમયમાં બહાર આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer