તાકાત હોય જો માટીમાં, મહેકી ઊઠે માનવી...

તાકાત હોય જો માટીમાં, મહેકી ઊઠે માનવી...
વસંત પટેલ દ્વારા
કેરા, તા. ભુજ, તા. 20 : વેપારી માલ, ગૃહિણી અનાજ કે અથાણાં, રાજકારણી ચૂંટણીની ચાલ ચૂકે તો વર્ષ ગુમાવે તેમ ધરતીનો તાત ખાતર અને ખેડ ચૂકે તો બધું જ ગુમાવી દે છે. આમ તો દરેક જીવનો માટી સાથેનો નાતો છે. તન માટી, અન્ન માટી, ધન માલ અંતે તો માટી જ માટી... હા, આજે વાત માટીની કરવી છે. કચ્છના ખેડૂતો ભૂમિનું બંધારણ સુધારવા તળાવ, ડેમ, સીમમાંથી કે નદીના તટમાંથી લાખો ટન માટી, મીઠો કાંપ ખેતર-વાડીઓમાં ઠાલવી મીઠાશ ઉમેરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે કચ્છમાં પ્રતિદિન 400થી 500 આઇવા ટ્રક ખેતરો ખૂંદી રહી છે. કસવાળો આ ધંધો વિશ્વાસ પર ચાલે છે. ભૂમિના સેન્દ્રિય તત્ત્વો ઉમેરી ફળદ્રુપતા વધારવા જાગૃત બનેલા ખેડૂતો અનુભવે શીખી ગયા છે કે માત્ર છાણિયું કે દેશી ખાતર નાખવાથી પાક સારો થશે એવું નથી. માટી સાથેનું મિશ્રણ વધુ પરિણામ આપે છે. અલબત્ત સમતળ કરાયેલી કે નવી વિકસાવાયેલી ભૂમિ પર દાયકાઓથી માટીના લેપ કરાતા રહ્યા છે. પણ હાલ ભણેલા ખેડૂતો કૃષિસ્નાતકની અદાથી વાત કરતા થયા છે. ભૂમિમાં કયા કયા તત્ત્વો છે તે લેબોરેટરીના આધારે સમજતા થયા છે. આ બદલાવ દાડમની ખેતીને આભારી છે. હિન્દી ભાષી સલાહકારોના ઇશારે તૈયાર થયેલા કિસાનો વિજ્ઞાનની ભાષામાં વાત કરે છે. એટલે જ માટી લેબોરેટરી કર્યા પછી પાથરે છે. નારાણપરના વેલજીભાઇ હોય કે રાપરના શંભુભા જાડેજા, એકલે ખભે ખેતી કરતા માનકૂવાના ભારતીબેન સિયાણી હોય કે કાઠડાના પુનશી બાપા સૌ સમજે છે તાકાત હોય જો માટીમાં મહેકી ઊઠે માનવી... સાપેડાના ધનજીભાઇ માદેવા આહીર માટીના માનવી છે, તો મેઘપરના હભુ દેવા અને આશા રબારી, નારાણપરના કલ્યાણભાઇ માટી, કાંપના વેપારી છે તે પૈકી હભુભાઇ રબારી એક વાડીમાં મળી ગયા, પૂછયું; કેવો ચાલે છે ધંધો ? બે આઇવા ટ્રક છે, બે જે.સી.બી. છે, વાત કરવાનો સમય નથી એટલા નામ નોંધાયા છે. ખાતર સાદી ટ્રકના 9થી 10, આઇવાના 16થી 18 હજાર રૂપિયા, કાંપના 32-3300, કાળી માટી 33-3400, પીળી માટી, ઘડો, જાડી કાંકરી જેને જે અનુકૂળ એને તેવો માલ વાડીઓમાં પહોંચતો થઇ જાય છે. જાગૃત કિસાનો લેબોરેટરી કરાવ્યા બાદ માલ પાસ કરે છે. પુનડી સીમની માટી વખણાય છે તો બાબિયા ડેમની કાળી માટીને ખેડૂતો ખારી માને છે. સેડાતા-ભારાપરનો કાંપ વખણાય તો દહીંસરા પાસેનો ધડો, માનકૂવા રખાલનો લાલ કાંપ, રાપર-વાગડના નદીતટ, નખત્રાણામાં ડુંગરાની કોતરો કાંપ માટે છે, તો મધ્યમ સિંચાઇના ખાલીખમ્મ તળિયામાંથી માટી ઉપાડાય છે. જો કે ઓણ સાલ હજી ખાણેત્રાં શરૂ થયાં નથી. હભુભાઇ રબારી માટીના મોટા અને વિશ્વસનીય વેપારી છે, તેમનું કહેવું છે કે અમે સિંચાઇ વિભાગની મંજૂરી પછી માટી ઉપાડીએ છીએ. માટી-કાંપ નખાવતા કિસાનોનું કહેવું છે કે રાસાયણિક ખાતરોએ ધરતીનું પોત બગાડયું છે. ઉત્પાદનક્ષમતા ઘટી છે. વરસાદ ન પડવાથી ક્ષાર ધોવાયા નથી. ભૂતળનાં પાણી અને ઝેરી દવાઓએ માટીમાં ઝેર ભેળવ્યું છે. તેથી ખેતર-વાડીમાં કુંવારી માટી પાથરવી પડે છે, આ ઉપયોગ લાખો-કરોડો ટનને આંબે છે. આમ કરવાથી ભૂમિ નવસાધ્ય થાય છે. ઉત્પાદનનું પ્રમાણ-ગુણવત્તા વધે છે. નારાણપરના શામજીભાઇ પિંડોરિયાનું કહેવું છે કે વધુ નિતારવાળી જમીન હોય તો તેમાં કાળી માટી ઉમેરવી જોઇએ, જેથી દાડમ સહિતના પાકને ફાયદો થાય છે. અમુક ગામોમાં માટી ઉપાડવા ટ્રકદીઠ 300 રૂપિયા ગૌચારામાં આપવાની રીત છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે માટી ઉમેરવાથી મોટો ફાયદો થાય છે. પણ દરેક ખેડૂતને તે પોષાય તેવું નથી. ખારી માટી ન આવી જાય તેનું ધ્યાન રાખવું.


વિશ્વાસ : ખાતર કરતાં માટી ફળદ્રુપ
માટી નાખતા વેપારી અને ખેડૂતો વચ્ચે માટી જેવા સંબંધ બંધાઇ જાય છે.  વેપારી દગો કરે કે ધ્યાન ન રાખે તો પેઢીઓ સુધી ખેતર-વાડી ખારા થઇ જાય છે અને તેને સુધારવા શક્ય નથી, તેથી કઇ માટી નાખવી, કેટલા પ્રમાણમાં નાખવી તે માટે નિ:શુલ્ક માર્ગદર્શન આપતા મેઘપરના હભુભાઇ રબારી (90996 89283) કહે છે, ખાલી ખાતર નાખવા કરતાં તેમાં યોગ્ય માટી ઉમેરવામાં આવે તો ધરતીની  તાકાત બમણી થઇ જાય છે અને શાક બકાલા, અનાજ, ફળફળાદિમાં રાસાયણિક ખાતર-દવાનું ઝેર ઘટે છે, તે આમ જનતા માટે ફાયદાકારક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer