હોળી પર્વે જ ભુજમાં પાણીની `હૈયા હોળી''

હોળી પર્વે જ ભુજમાં પાણીની `હૈયા હોળી''
ભુજ, તા. 20 : ઉનાળો હજુ શરૂ થયો છે ત્યાં જ સમગ્ર કચ્છની સાથે ભુજને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાને લીધા વિના જ કુકમા પાસે નવી લાઇનને નર્મદા સમ્પની જૂની લાઇનમાં જોડવાનું કામ શરૂ કરાતાં પાણીની સમસ્યા વિકરાળ બની ગઇ છે ત્યારે તંત્ર દ્વારા આવી કામગીરી તહેવારો ટાંકણે ન કરાય તેવી જાગૃત નાગરિકોમાં માંગ ઊઠી છે. જોકે, આ વખતે સદ્ભાગ્યે નર્મદા લાઇનમાં ગાબડું તો નથી પડયું, પરંતુ નવી લાઇન જોડવાના કામમાં બેને બદલે ત્રીજો દિવસ થતાં શહેરના તમામ સપ્લાય ખોરવાઇ જતાં શહેર ટેન્કર પર આધારિત થઇ ગયું છે. આ અંગે વોટર સપ્લાય શાખાના ચેરમેન કૌશલ મહેતાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, નર્મદા નીર માટેની નવી લાઇનનું કુકમા પાસે નર્મદા સમ્પની જૂની લાઇનમાં જોડાણ કરવાની કામગીરી ચાલી રહી છે અને સાંજ સુધી કામ પૂર્ણ થશે તેમજ રાત સુધી પાણી કુકમા સમ્પે પહોંચી આવશે અને આગામી બે-ત્રણ દિવસમાં જ તમામ સપ્લાય રાબેતા મુજબ થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આ કામને પગલે ભુજની તમામ સપ્લાય પાંચ-છ દિવસે કરી શકાય તેમ હોવાથી પાણીની સમસ્યા સર્જાઇ છે. જોકે, આ અંગે આજે પ્રમુખ સાથે ચર્ચા કરાઇ હતી અને વધારાનાં ટેન્કર શરૂ કરવા વિચારણા હાથ ધરાઇ હતી. હાલમાં દરરોજ 250 થી 300 જેટલી પાણીના ટેન્કરની વરધી સુધરાઇ ખાતે નોંધાતી હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત, આવતીકાલ તા. 21/3થી વિતરણ થાળે પડશે તેવું જાણવા મળ્યું હતું. ભુજમાં પાણી વિતરણ ખોરવાતાં અને નગરપાલિકામાં વરધીનું પ્રમાણ વધી જતાં ખાનગી ટેન્કરની માંગમાં પણ ઉછાળો આવતાં ધંધાર્થીઓને બખ્ખા થયા હતા. જોકે, અમુક સ્થળે ટેન્કરના 600 રૂપિયા જેવા આકરા ભાવને પગલે જાગૃત નાગરિકોમાં ફરિયાદ પણ ઊઠી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer