ચોબારીમાં પળેલશાપીરનો મેળો યોજાયો

ચોબારીમાં પળેલશાપીરનો મેળો યોજાયો
ભચાઉ, તા. 20 : તાલુકાના ચોબારી ગામે અઢી સદી પૂર્વે થઈ ગયેલા સૂફી કાદરી સૈયદ હજરત પળેલશાપીર (ર.અ.)ની દરગાહે છેલ્લા 60 વર્ષથી યોજાતો ઉર્સ /મેળો આ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાતાં તેમાં કચ્છની કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા. દરગાહના ગાદીનશીન સૈયદ હાજી મહમંદશા બાપુ (ઉર્ફે અબાબાપુ) પળેલશાપીરની અધ્યક્ષતામાં યોજાયેલા મેળામાં મંગળવારે વહેલી પરોઢથી કાઠિયાવાડ, ગુજરાત એમ દૂર દૂરથી માનવ પ્રવાહ સાથે આજુ-બાજુના હિન્દુ-મુસ્લિમોની હજારોની વિશાળ સંખ્યામાં  હાજર શ્રદ્ધાળુઓ સમક્ષ મહમંદશા બાપુએ કહ્યું કે આવા ઓલિયાપીર સંતોની એક જ મહેચ્છા હોય કે માનવ અમન-સુખમાં રહે અને એની ઈચ્છા પૂરી કરવા પ્રત્યેક વ્યકિત ખુદાએ આપેલી શીખ અનુસાર વર્તે તો સદાય સુખ છે. મૌલાના અકબર સાહેબ લાયજાવાળાએ કહ્યું કે પીર પળેલશાના મઝારના દર્શનમાં હિન્દુ પણ આવે અને મુસ્લિમ પણ આવે. આવા ઓલિયાઓની જગ્યાના દર્શનની સારી સંગત, સોબતથી માનવનું કલ્યાણ થાય એવા સારા ગુણ- વિચાર મળે છે.  ઉપરાંત સૈયદ મહેમુદશાબાપુ, મૌલાના અબ્દુલસકુર સાહેબ, મૌલાના અબ્દુલ હાદી, મૌલાના અરબાબ સાહબ, મૌલાના સાહેબ વગેરે દારૂમ ઉલુમ ફૈઝાને પીર પળેલશા ખારોઈએ, મૌલાના મુલા સાહબ (અંજાર) વગેરેએ તકરીર ફરમાવી માનવીએ અન્યનું હિત સુખ જોવું જોઈએ જેથી પોતાનું ક્યારેય અહિત નહીં થાય. આ પૂર્વે દિવસભર ચોબારી આહીર ભજન મંડળી, પ્રભુભાઈ આહીર, નામેરી ખેંગાર ચાવડા વગેરેએ રાસ-ગરબા, ભજન લોક સાહિત્યની રમઝટ બોલાવતાં હિન્દુ-મુસ્લિમભાઈ વગેરે રાસ ગરબા સંગીતના તાલે રમતા અનેક વિસ્તારની રાસની રમઝટનાં દ્રશ્યો  જોવા મળ્યા હતા.ત્યારબાદ સાંજે જગ્યાના ગાદીપતિ અને મહેમાનો, આગેવાનો, શ્રદ્ધાળુઓએ દરગાહ પર ચાદર ચડાવી ત્યારે અમદાવાદ સહિત દૂરથી આવેલા અનેક પ્રકારના ગુલાબ વગેરે ફૂલોની માળા, કલાત્મક ચાદરો-સેંટ-અતરની સુગંધની દરગાહનું વાતાવરણ મહેકી ઊઠયું હતું. રાત્રે તકરીર બાદ વાગડ બ્રહ્મ સમાજ હિતચિંક સમિતિ ભચાઉના ઉમેદલાલ રાજગોરે પળેલશાપીર અને હિન્દુ દેવ-દેવીની જય બોલી કહ્યું કે જ્યાં મૌલાના અને મહારાજ, પંડિત અને પીર એક જ સ્ટેજ ઉપર હોય એ આ ઓલિયાની કૃપા નહીં તો બીજું શું? લખન રાજગોર, દેવાનંદ રાજગોરે લોકસાહિત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ રાજસ્થાનના મશહુર કવ્વાલ બંધુઓ શબ્બીર સાબરીન, શદાકત સાબરીને પોતાની ગાયકીથી કવ્વાલીની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિતિઓએ ઘોરરૂપે નોટો વરસાવી હતી. ગાયોને લીલોચારો નખાયો હતો. કોહીનૂર કોલ્ડ્રીંક્સ મહેસાણાએ ઠંડો સરબત અને ઠંડી છાસ, પાણી ચોબારી આહીર યુવાનોએ અને અન્ય વ્યવસ્થા સહિત ચોબારીવાળાએ વ્યવસ્થા કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચકડોળ, ચીચુડા, આનંદપ્રમોદના સાધનો, ખાણી-પીણી, મીઠાઈ, નાસ્તા, આઈક્રીમ સહિત ગૃહશોભાની વસ્તુઓ, રમકડા સહિતની  બજાર લાગી હતી.  આ પ્રસંગે ગાંધીધામથી હાજી જુમા હાજી રાયમા, ચોબારી સરપંચ વેલજી જગા આહીર, કણખોઈ સરપંચ ખારોજઈ સરપંચ શિવુભા જાડેજા, ઉપસરપંચ હેમુભા સોઢા, વિનોદ પટેલ, ઔરંગાબાદથી ભચાઉવાળા ફકીરમામદ અબડા (ભચાઉ), સવજી બેરા ચાવડા (ચોબારી), માજી ઉપપ્રમુખ ભચાઉ તા.પં. હાજી અબ્દુલખાન ઉમરખાન પઠાણ, સુ.નગર શામજી જગા ઢીલા, સભ્ય કચ્છ જિ.પં., ભચાઉ તા.પં. પ્રમુખ ભરતસિંહ જાડેજા, ક.જિ.પં.ના માજી ચેરમેન નામેરીભાઈ, લાલજી રાણશી, મા. સરપંચ ચોબારી, કરસન રામા વરચંદ, સૈયદ અબ્દુલશા હાકમશા, સૈયદ લતીફશાબાપુ-લુડવા, પત્રકાર મનસુખભાઈ ઠક્કર વગેરે ઉપરાંત ભચાઉ?ન.પા.ના પ્રમુખ કુલદીપસિંહ બહાદુરસિંહ જાડેજાએ જગ્યાના વિકાસ માટે ખાતરી આપી હતી. સંચાલન ઉમેદલાલ રાજગોર અને ચોબારીના નામેરી આહીરે કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer