બાળજાતીય સતામણી સામે જાગૃતિ ઝુંબેશ કરાશે

બાળજાતીય સતામણી સામે જાગૃતિ ઝુંબેશ કરાશે
ભુજ, તા.20 : ગેઈમ્સમાં બાળકોની જાતીય સતામણી અંગે વધતા જતા બનાવોને પગલે લોકોમાં અને ખાસ કરીને વાલીઓ, માતા-પિતા અને બાળકોમાં જાગૃતિ આવે તે માટે આયોજિત એક વર્કશોપમાં અમદાવાદના આ ક્ષેત્રના નિષ્ણાંતે 350 નર્સિંગ સ્ટાફ અને મેડિકલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાળકોની સતામણી સામે આગામી દિવસોમાં ગેઈમ્સ દ્વારા સ્કૂલ, કોલેજ અને વિવિધ સંસ્થાઓના સહકારથી વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરાશે. મેડિકલ કોલેજમાં યુનિસેફ અને પરવાહ (પ્રિવેન્શન એન્ડ રિસ્પોન્સ ટુ વાયોલેન્સ એબ્યુઝ એન્ડ એચ.આઈ.વી.) સંસ્થાના ઉપક્રમે ઓલ ઈન્ડિયન મેડિકલ સ્ટુન્ડન્ટ્સ એસોશિએશન (એ.આઈ.એમ.એસ.એ) અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડીયાટ્રીક્સના સંયુક્ત સહકારથી આયોજિત વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી બાળરોગ વિભાગના હેડ અને પ્રોફેસર ડો. હસમુખ ચૌહાણે બાળકોની જાતીય સતામણી સામેનો આ વર્કશોપ કચ્છમાં પ્રથમ વખત યોજાયો છે, એમ જણાવી કહ્યું કે, અને  આગામી દિવસોમાં આ વાત અત્રે તાલીમ પ્રાપ્ત 350 વિદ્યાર્થીઓ દ્વારા લોકો સુધી લઈ જવામાં આવશે. આજે સમાજમાં બાળ જાતીય સતામણી યક્ષ પ્રશ્ન સમાન છે. અને તે માટે કાયદા ઉપરાંત લોકોએ  પણ જાગૃત બનવું પડશે.  આ પ્રસંગે નિષ્ણાંતો ડો. નિશ્ચલ ભટ્ટ અને ડો. પ્રીતિ હેમાની અને ડો. અનુપ અમીને માર્ગદર્શન આપતાં કહ્યું કે, મોટાભાગે બાળ જાતીય સતામણી નિકટના અને પરિચિત વ્યક્તિઓ દ્વારા જ આચરવામાં આવે છે. પરંતુ, બાળકોના ભવિષ્યનો વિચાર કરી વાલીઓ ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી આવા દુષ્કર્મ પ્રેરિત તત્ત્વોને  ફાવતું મળી જાય છે. આ તબક્કે તેમણે પોક્સો  અંગે સમજ આપી હતી.આ પ્રસંગે અદાણી મેડિકલ કોલેજનાં ડીન ડો. ગુરદાસ ખીલનાની સહિત જુદા-જુદા વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. એઈમ્સાના ગુજરાત વિભાગના પ્રમુખ મહિમા દવે અને ગેઈમ્સ સ્ટુડન્ટ્સ કાઉન્સિલના પ્રમુખ વ્રજ શાહે આયોજન સંભાળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer