બિહારી સજ્જનનો'' સેવાનો શોખ શીખવા જેવો

બિહારી સજ્જનનો'' સેવાનો શોખ શીખવા જેવો
ભુજ, તા. 20 : `હળાહળ કળયુગ છે, કોઇ કોઇનું સગું નથી. હેતુ વિના હેત ન હોય...' સામાન્ય રીતે  પ્રવર્તતી આવી માન્યતાને ખોટી પાડતા ભુજ શહેરમાં એક સજ્જન માટે કોઇપણ જાતના સ્વાર્થ વિના સમાજસેવા જીવનનો જાણે નિત્યક્રમ બની ગયો છે.શહેરમાં બીએસએનએલમાં ફરજ બજાવતા મૂળ બિહારના પ્રસાદભાઇ સાવ આયખાંની અર્ધ સદી વટાવી ગયા પછીયે જુવાનીમાં હોય તેવા જુસ્સા સાથે આખો દિવસ દોડતા રહે છે.હાથ, પગ, કમર, માથું, પેટના દુ:ખાવા દૂર કરવા માટે હાથના આંગળાંથી  દબાણની દેશી સારવાર પાંચ પૈસાના પણ સ્વાર્થ વિના કરવાની નિ:સ્વાર્થ સેવા બિહારી સજ્જનનો શોખ બની ગઇ છે. આ સેવાનો શોખ સૌ કોઇએ શીખવા જેવો ખરો.એક પણ પૈસાની અપેક્ષા વિના નિ:સ્વાર્થ ભાવે આંગળીના ટેરવાંથી નસ દબાવીને સારવાર કરતા મૂળ પટના (બિહાર)ના 56 વર્ષીય પ્રસાદભાઇને આ કૌશલ્ય તેને માતા તરફથી વારસામાં મળ્યું છે. ભારત સંચાર નિગમમાં નોકરી કરતા પ્રસાદભાઇ છેલ્લા પંદર વર્ષથી સેવાભાવના સાથે દર્દથી પીડાતા લોકોની સારવાર કરે છે. કચ્છના અંતરિયાળ ગામડાઓથી પણ સારવાર લેવા દર્દીઓ પ્રસાદભાઇ પાસે પહોંચે છે અને ત્યાં ચાલુ નોકરી  વચ્ચે જ બે-પાંચ મિનિટનો સમય કાઢી સારવાર કરે અને તુરંત જ અનેક દર્દીઓને  પીડાથી રાહત મળતી હોવાનો અહેસાસ થાય.પ્રસાદભાઇના આ કૌશલ્યનો લાભ સરકારી કચેરી અને પોલીસ મથકના કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત ન્યાયતંત્રના અધિકારીઓએ પણ લીધો હોવાની જાણકારી તેમણે આપતાં જણાવ્યું કે, કમર-પીઠ દર્દ, હાથ-પગના સાંધા દુ:ખવા વગેરે માટે પીડિતો તેમનો સંપર્ક કરે અને તેઓ તુરંત વાતો-વાતોમાં જ નિદાન જાણી સારવાર શરૂ કરે અને થોડી જ મિનિટોમાં સારવાર કારગત  નીવડતી હોવાનો અહેસાસ દર્દીને થાય. ત્યારબાદ નિદાનની સમસ્યા અંગે યોગ્ય કસરતો પણ જણાવે કે જેથી વધુ રાહત થાય અને ફરી બીમારી ઉથલો ન મારે.પૈસા અંગે કોઇ પૂછે તો પ્રસાદભાઇ એટલું જ કહે ભગવાનની દયા છે જેટલું જોઇએ તેટલું ઇશ્વરે આપ્યું છે અને ઉપરવાળાની કૃપાથી જ આ કૌશલ્ય મળ્યું હોવાથી આ કામ માત્ર સેવાભાવનાથી જ કરું છું.કોઇપણ જાતની પૈસા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની  લાલસા વિના `પીડ પરાઇ જાણે' જ નહીં, પરંતુ દૂર પણ કરે તેવા વૈષ્ણવ જન પ્રસાદજીની સરળ સેવા ભાવના સમજીને ઘણું શીખવી જાય છે ભલા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer