આઈપીએલમાં પહેલી વખત રમતા 4 ખેલાડી પર નજર

નવી દિલ્હી, તા. 20 : આઈપીએલની 12મી સિઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં એવા ઘણા ચહેરા છે જે પહેલી વખત વિશ્વપ્રસિદ્ધ ટી-20 લીગમાં પદાર્પણ કરી રહ્યા છે.   આ તમામ ખેલાડીઓમાંથી વેસ્ટ ઈન્ડિઝના સિમરોન હેટમાયર, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન, લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓસ્ટ્રેલિયાના એસ્ટન ટર્નર ઉપર ખાસ નજર રહેશે. આ તમામ ખેલાડી છેલ્લા અમુક સમયથી નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યા છે અને હવે આઈપીએલમાં પણ પ્રદર્શન જારી રહે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   સિમરોન હેટમાયર  વેસ્ટ ઈન્ડિઝના સિમરોન હેટમાયરના રૂપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે એક પ્રતિભાશાળી વિદેશી ખેલાડી છે. ચેલેન્જર્સે હેટમાયરને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેટમાયર ભારત સામેની શ્રેણીમાં ખૂબ જ ઉપયોગી બન્યો હતો અને હવે ડિ'વિલિયર્સ અને વિરાટ કોહલી સાથે મળીને રનની આતશબાજી કરવા ઈચ્છશે. ભારતમાં હેટમાયરે પાંચ મેચમાં 259 રન કર્યા હતા.  સેમ કરન  સેમ કરનને કિંગ્સ ઈલેવન પંજાબે 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જે સૌથી મોંઘા  ખેલાડીઓમાંથી એક છે. 22 વર્ષીય સેમ ભારત સામેની  શ્રેણીમાં ચમક્યો હતો. બેટિંગથી સામેની ટીમ માટે મુસીબત બનવા સક્ષમ સેમ કરન બોલિંગમાં પણ ઉપયોગી છે. તેવામાં હવે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી પણ સેમ કરન પાસે ઉમદા પ્રદર્શનની આશા છે.   વરુણ ચક્રવર્તી  કિંગ્સ ઈલેવન પંજાબના લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચાલુ વર્ષે આઈપીએલની લિલામીમાં ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે ક્લબે તેને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કર્ણાટકના 27 વર્ષીય સ્પિનરે 9 લિસ્ટ એ. મેચમાં 22 વિકેટ ખેરવી છે.   એસ્ટન ટર્નર   રાજસ્થાન રોયલ્સની ટીમે આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.   બિગ બેશ લીગમાં પર્થ સ્કોચર્સ માટે એસ્ટન ટર્નરે 14 મેચમાં 378 રન કર્યા હતા. રાજસ્થાનનો કેપ્ટન અજિંક્ય રહાણે ટર્ન પાસે બિગ બેશ જેવા પ્રદર્શનને આઈપીએલમાં પણ જારી રાખે તેવું ઈચ્છશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer