ખાવડા સરહદના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ સાથે ટ્રકચાલકની અટકાયત

ભુજ, તા. 20 : કચ્છની સરહદે ભારે એલર્ટ વચ્ચે સલામતી દળોએ વ્યૂહાત્મક રીતે મોરચા સંભાળ્યા છે ત્યારે આજે પ્રતિબંધિત રણ સરહદે ચાલતા બાંધકામમાં લાગેલી એક ટ્રકના ચાલક પાસેથી છુપાવાયેલો મોબાઇલ ફોન ઝડપાતાં ચકચાર જાગી છે. લશ્કરની ગુપ્તચર શાખાએ હાથ ધરેલા આ ઓપરેશનમાં ઝડપાયેલા મોબાઇલ વાટે પાકિસ્તાનના નંબર પર વ્હોટ્સએપ કોલ થયાના અને અમુક વાંધાજનક સંદેશા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં આ મામલાએ ગંભીર સ્વરૂપ લીધું છે.  ઉચ્ચ કક્ષાનાં સત્તાવાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, આજે બપોરે બે વાગ્યાના અરસામાં ઇન્ડિયા બ્રિજને પાર પ્રતિબંધિત વિસ્તારમાં ધરમ- શાળાના ચીડિયા મોડ ખાતે એક ટ્રકની તપાસ કરાઇ હતી. ટ્રકના ચાલક ઝારખંડના બોકારોના નિવાસી જાનકી મહતો (ઉ.વ. 20)ની પાસે છુપાવાયેલો મોબાઇલ ફોન આ કાર્યવાહી હાથ ધરનારી લશ્કરની ગુપ્તચર શાખાને મળી આવ્યો હતો. સામાન્ય રીતે ઇન્ડિયા બ્રિજ ખાતેના ચેક પોઇન્ટ પર તમામ નાગરિકોએ તેમના મોબાઇલ ફોન જમા કરાવવા અથવા જાહેર કરવા ફરજિયાત છે. તેમાં પણ હાલની એલર્ટની સ્થિતિમાં મોબાઇલ વાટે ફોટા પડી શકે એવો સતત ભીતિ રહે છે.  આવામાં આ મોબાઇલ ઝડપાતાં અને તેમાં પણ પાકિસ્તાનના નંબરો પર વ્હોટ્સએપ કોલ થયાનું અને અમુક વાંધાજનક મેસેજ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં એજન્સીના સભ્યો ચોંકી ઊઠયા હતા. હાલે આ શખ્સને ખાવડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું.     

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer