હવે સાંસદ બનવા પાંચ વર્ષની આવક બતાવવી પડશે

ભુજ, તા. 20 : લોકસભાની ચૂંટણી લડવા માગતા કચ્છના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર સાથે આ વખતે પાંચ વર્ષના આવકના હિસાબો આપવા પડશે. આમ અત્યાર સુધીની લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને છેલ્લા એક વર્ષના આવકના હિસાબો આપવા પડતા હતા પરંતુ 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન પહેલી વખત આકરા નિયમો લાદવામાં આવ્યા છે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ પણ કહ્યું કે હજુ ભલે ઉમેદવારી પત્ર આવ્યા નથી પરંતુ આર.ઓ. કક્ષાએ આવેલી ખર્ચ અંગેની પુસ્તિકામાં ફોર્મના નમૂના બતાવાયા છે. ઉમેદવારી પત્ર 6 પાનાનું હશે, સાથે અનેક જાતના સોગંદનામા તો ઉમેદવારે કરવા પડશે પરંતુ પાંચ વર્ષમાં આવક કેટલી થઇ છે તે સ્પષ્ટ દર્શાવવી પડશે, માત્ર ફોર્મમાં નહીં પાંચ વર્ષના આવક વેરાના રિટર્ન વગેરેની નકલ પણ સાથે જોડવાની સૂચના છે. પાંચ વર્ષ પહેલાં ઉમેદવારી પત્રમાં એક જ વર્ષના આવકના હિસાબ આપવાના હતા પરંતુ હવે નવા નિયમ પ્રમાણે પાંચ વર્ષના કાગળો ઉમેરવા પડશે, એટલું જ નહીં પાન કાર્ડ પણ માગવામાં આવશે. 2-એ, પ્રકારના ઉમેદવારી પત્રમાં આમ તો પાંચ વર્ષ પહેલાં જેવી જ વિગતો છે, ખાસ કોઇ ફેરફાર નથી પણ મિલકતો પોતાની પતિ-પતીન કે પોતાના ઉપર નિર્ભર હોય તેની બતાવવી પડશે. ઉમેદવાર પોતાની સામે કોઇ પોલીસ કેસ કે વિરુદ્ધ કોઇ ફરિયાદ હોય તો તેની પણ વિગતો ફોર્મમાં સ્પષ્ટ જાહેર કરવી પડશે એમ તેમણે જણાવ્યું હતું. ભલે હજુ કોઇપણ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી પરંતુ ચૂંટણી લડવા ઇચ્છતાઓએ અત્યારથી જ છેલ્લા પાંચ વર્ષના આવકવેરા રિટર્ન આધારિત આવકના હિસાબો રજૂ કરવા પડશે. આ પાંચ વર્ષની આવકના પ્રમાણે બાકીના સાંસદ બન્યા પછીના પાંચ વર્ષના ગાળાના તેના પરથી લેખાજોખા સ્પષ્ટ  થઇ જશે તેવો ચૂંટણી પંચનો ઇશારો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer