ચારણ સમાજને શૈક્ષણિક હેતુ માટે માતબર દાન

ભુજ, તા. 20 : અહીં અખિલ કચ્છ ચારણ સભાની સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે આયોજિત બેઠકમાં 10 દાતાઓ દ્વારા શૈક્ષણિક હેતુ માટે 17 લાખ જેટલું માતબર દાન નોંધાયું હતું. સમાજના વડીલ પુષ્પદાનભાઇ ગઢવી તેમજ વિજયભાઇ ગઢવીના અધ્યક્ષસ્થાને  યોજાયેલી બેઠકમાં જખુભાઇ ધાનાભાઇ ભુવા ચારણ બોર્ડિંગના ઉદ્ઘાટનના આયોજન માટે તેમજ આઇ શ્રી સોનલ માતાજીના મંદિરના  નિર્માણ કાર્ય સાથે સામાજિક અને શૈક્ષણિક વિકાસના આયોજન માટેની તૈયારીઓ કરાઇ હતી. બેઠકમાં થોડી જ  મિનિટોમાં માતબર દાન દાતાઓ દ્વારા સમાજને શૈક્ષણિક અને સામાજિક કાર્ય માટે અપાયું હતું.  જેમાં સમાજના હોદ્દેદારો, આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વધુમાં તા. 23/3ના અખિલ કચ્છ ચારણ સભાના હોદ્દેદારો તેમજ કચ્છ ચારણ સમાજના આગેવાનો દ્વારા મુંદરા તાલુકાના ચારણ સમાજના ગામોમાં તેમજ તા. 24/3 માંડવી તાલુકાના ચારણ સમાજના  ગામોનો પ્રવાસ કરવા નિર્ણય લેવાયો હતો. ગામના ભાઇ-બહેનો સમાજના આ પ્રવાસના કાર્યક્રમમાં પોતાના ગામે હાજર  રહી સહકાર આપવા માટે મંત્રી ભીમશીભાઇ  બારોટ દ્વારા અનુરોધ કરાયો હતો. તા. 23/3ના મુંદરા તાલુકા ચારણ સમાજના ગામોનો  પ્રવાસ અખિલ કચ્છ ચારણ સભા દ્વારા  કરાશે. તેમાં હોદ્દેદારો અને સમાજના આગેવાનો મોખા ટોલનાકે સવારે 10 વાગ્યે એકત્રિત થઇ વવારથી શરૂઆત કરશે. સાંજે ઝરપરા ગામે પ્રવાસ અને બેઠક યોજાશે. તા. 24ના રોજ માંડવી તાલુકા ચારણ સમાજના ગામોનો અખિલ કચ્છ ચારણ સમાજનો પ્રવાસ ચારણ બોર્ડિંગ ખાતે સવારે 10 વાગ્યે એકત્રીત થઇ પાંચોટિયાથી શરૂ થશે અને સાંજે ભાડિયામાં પ્રવાસ અને બેઠક યોજાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer