કચ્છમાં આચારસંહિતા માટે પાંચ નિરીક્ષક

ભુજ, તા. 20 : આ વખતે લોકસભાની ચૂંટણી દરમ્યાન આચારસંહિતાની  બાબતમાં ચુસ્તપણે પાલન કરવાના ચૂંટણી પંચે  નિર્દેશ કર્યા છે ત્યારે કચ્છમાં ક્યાંય કોઇ પાલન થાય છે કે નહીં તે દેખરેખ રાખવા પાંચ સનદી અને આઇ.પી.એસ. અધિકારીઓ ધામા નાખશે. કચ્છની ચૂંટણી અંગેનું જાહેરનામું 28મી માર્ચે બહાર પડવાનું છે અને એ જ દિવસથી ઉમેદવારી પત્ર ભરવાની કાર્યવાહી થવાની છે ત્યારે 28મી પહેલાં પાંચ ઓબ્ઝર્વર આવી જવાના છે. આ બાબતે પ્રકાશ પાડતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે આચારસંહિતા ઉપર બાજનજર રાખવા ભારત સરકારના  ચૂંટણી પંચે કચ્છમાં પાંચ ઉચ્ચ અને બહારના અધિકારીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. ત્રણ આઇ.એ.એસ. કક્ષાના તો એક આઇ.આર.એસ. અને બે આઇ.પી.એસ. એમ પાંચ ઓબ્ઝર્વર 28મી પહેલાં આવી જશે. સનદી અધિકારીઓ આચારસંહિતાની સામાન્ય તમામ બાબતો ઉપર નજર રાખશે. કોઇપણ પાર્ટી કે ઉમેદવાર દ્વારા જારી કરવામાં આવેલી આચાર સંહિતાનું ક્યાંય ઉલ્લંઘન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે. તો જે આઇ.આર.એસ. કક્ષાના અધિકારી આવશે તે ચૂંટણી દરમ્યાન થનારા ખર્ચ પર ધ્યાન રાખશે. ક્યાંય મતદારોને પ્રભાવિત કરવા કે ઉમેદવારને ખર્ચ માટે અપાયેલી છૂટછાટ  ઉપરાંત આર્થિક વ્યવહારો પર તેઓ મોનિટરિંગ કરશે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ વિભાગના બે પોલીસવડાની કચેરીઓ હોવાથી બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ બંને વિભાગમાં  કાયદો વ્યવસ્થાની  બાબત પર દેખરેખ રાખશે તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer