અંજારમાં પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારા સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 20 : અંજારના ગંગા નાકા બહાર દબડા વિસ્તાર ઓમનગર વિસ્તારમાં રહેનાર એક મહિલાના પતિએ બીજા લગ્ન કરી આ મહિલાને ઘરમાંથી કાઢી મૂકતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુષ્માબેન નામની મહિલાએ પોતાના પતિ સુરેશપુરી કરસનપુરી ગુંસાઇ અને ગંગા નાકા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેનાર ટ્વીન્કલ પ્રવીણ બારોટ?વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરેશપુરીએ વર્ષ 2009માં સુષ્માબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમના દામ્પત્યજીવનમાં બે સંતાનની પ્રાપ્તિ થઇ હતી. દરમ્યાન, આ મહિલા નાગપુર મહારાષ્ટ્ર જતાં સુરેશે પોતાની પાડોશમાં રહેનાર ટ્વીન્કલ સાથે લગ્ન કરી લીધા હતા. પરત આવેલી આ ફરિયાદી મહિલાએ આ અંગે કહેતાં આ બંને તહોમતદારોએ તેને માર મારી સ્ટેમ્પ પેપર ઉપર તેની સહી કરાવી લીધી હતી. આ બનાવ બાદ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ આદિપુર મહિલા પોલીસ મથકે અરજી આપી હતી. અંજાર કોર્ટમાં ભરણપોષણ અંગે કેસ પણ કરેલો છે. દરમ્યાન, આ શખ્સ મહિલાના માવિત્રે જઇ?મહિલા પાસેથી આધાર કાર્ડ, એ.ટી.એમ., પાન કાર્ડ વગેરે જેમાં હતા તે પાકીટ છીનવી લઇ?તેને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય અપમાનિત કરી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer