રુકસાના ખૂનકેસમાં આરોપીઓ પાંચ દિન રિમાન્ડમાં

ભુજ, તા. 20 : અન્ય ત્રી સાથે લગ્ન બાદ ઊભા થયેલા ગૃહકંકાસ અને ઘરેલુ ઝઘડાઓ અન્વયે અહીંની રુકસાના ઇસ્માઇલ માંજોઠી નામની મહિલાની પતિએ સાગરીતો સાથે મળીને ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાના મામલામાં પોલીસ દ્વારા ગઇકાલે ધરપકડ કરાયેલા તમામ સાત આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા.પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આ પ્રકરણમાં ગુનાશોધન કર્યા બાદ કેસની તપાસ ભુજ શહેર બી. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. તપાસનીશ એજન્સી દ્વારા આજે રુકસાનાના પતિ ઇસ્માઇલ-ઉર્ફે માલા માંજોઠી સહિત તમામ સાત આરોપીને અત્રેની ચીફ કોર્ટ સમક્ષ રિમાન્ડ માગણી સાથે રજૂ કરાયા હતા. ન્યાયાધીશે મહિલા સહિતના આ સાતેય તહોમતદારના પાંચ દિવસના રિમાન્ડને મંજૂર કરતો હુકમ કર્યો હતો. સરહદ રેન્જના વડા પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા અને જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલુંબિયાના સીધા માર્ગદર્શન તળે ચાલતી આ તપાસ વિશે સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે, રિમાન્ડ તળેની પૂછતાછમાં કેસને સંલગ્ન ખૂટતી કડીઓ મેળવાશે, તો આરોપીઓને એકમેકની સામે રાખીને સર્વગ્રાહી છાનબીન કરાશે. હત્યાકાંડમાં હજુ અન્ય કોણ સંડોવણી ધરાવે છે તે વિશેની વિગતો મેળવવા પણ આરોપીઓ પાસેથી માહિતી મેળવાશે તેવું કહેતાં પોલીસે ઉમેર્યું હતું કે હાલ તુરંત સર્વગ્રાહી તપાસ જારી રખાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer