ભુજમાં વકીલ ઉપર અજ્ઞાત શખ્સોનો હુમલો : અગ્રણી તરફ શંકા દર્શાવાઇ

ભુજ, તા. 20 : વ્યવસાયે ધારાશાત્રી એવા અહીંના હેનરી જેમ્સ ચાકો (ઉ.વ.47) ઉપર બે અજ્ઞાત શખ્સે બેઝબોલના ધોકા વડે હુમલો કર્યો હોવાનો મામલો પોલીસ દફતરે ચડયો છે. આ હુમલો કરાવનારા તરીકે મૂળ અબડાસાના વતની એવા રાજકીય આગેવાન સામે શંકાની આંગળી ચીંધીને પોલીસ ફરિયાદ લખાવાઇ છે. જ્યારે અગ્રણી જેન્તીભાઇ ઠક્કરે આ શંકા ખોટી હોવાનું કહી વળતો વાર કરતાં જણાવ્યું હતું કે, નલિયાકાંડ પહેલાં તોડ?થવા ન દેતાં ખોટો કિન્નો રખાયો છે. શહેરમાં હોસ્પિટલ રોડને અડીને આવેલા માર્ગ ઉપર કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક સંકુલની સામે ગણેશ ઓટો નામની દુકાન નજીક ગઇકાલે સાંજે આ ઘટના બની હતી. બન્ને હુમલાખોર બેઝબોલના ધોકા વડે હુમલો કર્યા બાદ જતાં જતાં ધમકી આપીને જતા રહ્યા હતા તેવું ભોગ બનનારે આજે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પોતે જેન્તી ઠકકર ડુમરાવાળા સામે લોનકૌભાંડ બાબતે રજૂઆતો-ફરિયાદો કરી હોવાથી તેમણે આ હુમલો કર્યો હોવાની વિગતો ફરિયાદીએ જણાવી છે. બનાવ પહેલાં પોતાને એક મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યો હતો અને પોતે કયાં છે તે જાણ્યા બાદ આ હુમલો કરાયો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે મોબાઇલધારક અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન, આ પ્રકરણમાં જેમને શકદાર બતાવાયા છે તેવા રાજકીય આગેવાન જેન્તીભાઇ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હું ફરિયાદીને ઓળખતો જ નથી અને મારે તેની સાથે કોઇ લેવા-દેવા નથી. નલિયાકાંડમાં ફરિયાદ નોંધાઇ તેના ચાર મહિના પહેલાં તોડ કરવાના ઇરાદે થયેલી રૂપિયાની માગણી પોતે ન સ્વીકારતાં તેનો કિન્નો રાખીને આ શખ્સ દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી વિવિધ વિભાગોમાં અરજીઓ થતી હોવાનો તેમણે વળતો વાર કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer