મેઘપર બોરીચીના શખ્સને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ

ગાંધીધામ, તા. 20 : આ શહેરમાં ગૃહસજાવટની વસ્તુઓ વેચતા વેપારી પાસેથી ઉધારમાં ખરીદી કર્યા બાદ તે પેટે અપાયેલો રૂા. 30 હજારના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત ફરતાં થયેલા નેગોશિયેબલ ધારા તળેના કેસમાં મેઘપર (બોરીચી) ગામના જયકિશન સેવારામ તોરાણીને તકસીરવાન ઠેરવીને અદાલતે તેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. તો ચેકના મૂલ્યની રકમ ફરિયાદીને વળતર તરીકે એક માસમાં ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો. ગાંધીધામમાં રોયલ ડેકોર્સના નામે વ્યવસાય કરતા વેપારી અનિલ શાંતિલાલ મહેતા દ્વારા આ પ્રકરણમાં ફરિયાદ કરાઇ હતી. જે કેસ અત્રેના ત્રીજા અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ આર.વી. જોટાણિયા સમક્ષ ચાલ્યો હતો. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવા તપાસી આરોપી જયકિશન તોરાણીને જવાબદાર ઠેરવ્યો હતો અને તેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આરોપી ચેકના મૂલ્યની રકમ ફરિયાદી વેપારીને ચૂકવી આપે તેવો આદેશ કરતાં જો તેવું ન થાય તો તહોમતદારને વધુ બે મહિના સાદી કેદમાં રાખવાનો ઉપરાંત આરોપીને રૂા. પાંચ હજારના દંડની શિક્ષાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણની પૂર્વ વિગતો એવી છે કે આરોપીએ ફરિયાદી પાસેથી જુલાઇ-2010માં ગાદલા, ઓશિકા, પડદા વગેરેની ખરીદી ઉધારમાં કરી હતી. આ ખરીદીના પાર્ટપેમેન્ટના સ્વરૂપમાં તેમણે રૂા. 30 હજારનો ચેક આપ્યો હતો. જે બેન્કમાંથી પરત ફરતાં આ કેસ ઊભો થયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ગોરધન વી. પરિયાણી અને સુરેશ એલ. મહેશ્વરી રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer