ભુજ કોમ. બેંકના ચકચારી ઉચાપત કેસમાં ત્રણેય આરોપી નિર્દોષ છુટયા

ભુજ, તા. 20 : અત્રેની ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકમાં રૂા. 26.60 લાખની રકમની ઉચાપત થવાના અઢી દાયકા જૂના ચકચારી કેસમાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત ન કરી શક્યો હોવાનું તારણ આપી અદાલતે તમામ આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.  ઓગસ્ટ-1996માં આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસ અત્રેના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલ્યો હતો. સુનાવણીના અંતે ન્યાયાધીશે બેંકના તત્કાલીન જનરલ મેનેજર જગદિશચંદ્ર છગનલાલ (જે.સી.) શાહ, એકાઉન્ટન્ટ પ્રદીપ રતનશી શાહ અને ચેરમેન ઇશ્વરલાલ વાલજી ઠક્કરને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. અદાલતે 16 સાક્ષી અને વિવિધ દસ્તાવેજી પુરાવા તપાસી ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં સફળ ન રહ્યાનું જણાવી આ ચુકાદો આપ્યો હતો. આ પ્રકરણમાં જે-તે સમયે બેંકનાં જુદાં-જુદાં ખાતાઓમાંથી ખોટાં વાઉચરો બનાવી રૂા. 26.60 લાખની ઉચાપત કરી હોવાનો ગુનો દાખલ કરાયો હતો. 24 વર્ષ જૂના આ કેસમાં અંતે આરોપીઓ તરફે ચુકાદો આવ્યો છે. આ કેસમાં આરોપી જનરલ મેનેજર અને એકાઉન્ટન્ટના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી હેમાસિંહ સી. ચૌધરી સાથે દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, કુલદીપ મહેતા, દેવરાજ ગઢવી, શરદ ભાનુશાલી અને કુ. કુંતલ દવે, જ્યારે ચેરમેન વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી અમીરઅલીભાઇ એચ. લોઢિયા રહ્યા હતા.  

  ચેકના કેસમાં છુટકારો   પાંચ લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેંકમાંથી પરત થવાના કેસમાં સંડોવાયેલા આરોપી ભચાઉના હુસેન હમીર રાજાને અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે નિર્દોષ ઠેરવ્યો હતો. આ કેસમાં જે-તે સમયે ગાંધીધામના વેલુભા કરમણ ગઢવીએ ફરિયાદ કરી હતી. સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે એમ.એ. દેદા, વાય.એ. થારાણી અને ડી.સી. પલણ રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer