ગાંધીધામ સંકુલમાં દેશી દારૂના હાટડા ફરીથી ધમધમી ઊઠયા

ગાંધીધામ, તા. 20 : પંચરંગી અને વિકસિત મનાતા આ સંકુલમાં અનેક જગ્યાએ દેશી દારૂના પોઈન્ટ ધમધમી રહ્યા છે તો વળી આસપાસના ગામડાઓમાં પણ આ બદીનું દૂષણ વધ્યું છે. શહેરી પોલીસ મથકોની હદમાં આવું દૂષણ તો હતું જ હવે રેલવે પોલીસની હદમાં પણ રીતસરના પોઈન્ટ ખૂલી ગયા હોવાનું જાણવા   મળ્યું હતું. આ સંકુલમાં ખુલ્લેઆમ નહીં પરંતુ ઘાપટામાં આજે પણ અંગ્રેજી પ્રકારનો દારૂ મળી રહે છે. આજે પણ આડેસર, સામખિયાળીના ચેકપોસ્ટ લાંગીને દારૂ ભરેલા વાહનો આવતાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં, ગળપાદર, અંતરજાળ, કાર્ગો, 9-બી વગેરે જગ્યાએ દારૂની કટિંગ થતું હોવાનું બહાર આવી રહ્યું છે. હાલમાં પોલીસ મને-કમને કડક થઈ છે ત્યારે ઘાપટામાં આવું દૂષણ ચાલુ જ છે. તો બીજી બાજુ દેશી દારૂના હાટડા તો હજુ 5ણ જેમના તેમ છે. શહેરના કાર્ગોના જુદા-જુદા વિસ્તાર, જી.આઈ.ડી.સી. સુંદરપુરી, ખોડિયારનગર, ઈન્દિરાનગર, મીઠીરોહર, ગળપાદર, આદિપુર, બસ-રેલવે મથક, ભારતનગર રેલવેપાટા નજીક વસાહત વગેરે જગ્યાએ આવા હાટડા બંધ થવાનું નામ નથી લેતા. સંકુલના પોલીસ મથકોની હદમાં આવતા વિસ્તારોમાં આવું દૂષણ હજુ બંધ થયું નથી. તેવામાં હવે રેલવે પોલીસની હદમાં પણ દૂષણ વકર્યું છે. આદિપુરની મલીર સંસ્થાની આસપાસ રેલવેપાટા નજીક રીતસર ઝૂંપડી બાંધીને આ દૂષણ લોકોને પીરસવામાં આવે છે. અગાઉ લોકોએ જનતા રેઈડ કરી હતી ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું. પોલીસ આ અંગે કંઈ કરશે કે ફરીથી જનતા રેઈડની રાહ જોવાઈ રહી છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer