લોન યોજનામાં અડધી સિદ્ધિય નહીં

ભુજ, તા. 20 : દેશના લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય માટેની કેન્દ્ર સરકારની બહુ પ્રચલિત અને પ્રસારિત યોજનામાં ગુજરાતમાં અપેક્ષા મુજબ કાર્ય થયું નથી એવું રાજ્ય સ્તરની બેન્કિંગ સમિતિ (એસએલબીસી)ના તાજેતરમાં જાહેર થયેલા એક હેવાલમાં જણાવવામાં આવ્યું હતું.  જેમાં કચ્છ સહિતના ત્રણ જિલ્લાઓએ લક્ષ્યના 50 ટકા કરતાં પણ ઓછી કામગીરી કરી હતી. સમિતિને ટાંકીને અંગ્રેજી માધ્યમમાં પ્રસિદ્ધ હેવાલ મુજબ, `માત્ર 59 મિનિટમાં લોન' એવા પ્રચાર સાથે રજૂ થયેલી આ યોજના માટે અપાયેલા લક્ષ્યના 50 ટકાથી પણ ઓછી સિદ્ધિ વડોદરા, ગીર અને કચ્છમાં હાંસલ કરવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ મહિલાઓ માટે લોન તેમજ મુદ્રા યોજનાએ પણ લક્ષ્યના પ્રમાણમાં બહુ ઓછો દેખાવ કર્યો છે.એસએલબીસીના હેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ યોજનાની મુદત વધારવામાં આવી હોવા છતાં વડોદરા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં ઓછી કાર્યસિદ્ધિ થઇ હોવા પાછળ કેટલાક ઉદ્યોગોની નબળી પડેલી સ્થિતિ તેમજ દુકાળ હોવાનું જણાયું છે.લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને માત્ર 59 મિનિટમાં રૂા. 1 કરોડની લોન આપવાની આ યોજના માટે ઝુંબેશની મુદત પખવાડિયા સુધી વધારવાની ફરજ પડી હતી.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer