ચૂંટણી દરમ્યાન લાઉડ સ્પીકર માટે નિયંત્રણ

ભુજ, તા. 20 : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી - 2019નો કાર્યક્રમ જાહેર કરાયો છે. કચ્છમાં લોકસભા ચૂંટણીનું મતદાન તા. 23-4ના રોજ કરાશે જ્યારે મતગણતરી તા. 23-પના રોજ થનાર છે.  ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. લાઉડ સ્પીકરનો નિયત મંચ ઉપરાંત યાંત્રિક વાહનો તેમજ પશુઓ ઉપર ગોઠવીને પણ કરવામાં આવે છે. ખૂબ જ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના આ વાહનો તમામ માર્ગો, શેરીઓ અને ગલીઓમાં ફરે છે. પરિણામે ધ્વનિ પ્રદૂષણ થાય છે. આમજનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે આથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણો જાહેર કરાયાં છે.  જિલ્લા મેજિસ્ટ્રેટ, રેમ્યા મોહન દ્વારા નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવા, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. ફરતાં વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું  સરકારી ફરજ પરના વાહનો તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલા વાહનોને લાગુ પડશે નહીં.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer