ભુજમાં હાથલારીઓ સામે કાર્યવાહી થકી વાણિયાવાડ વિસ્તાર થયો ચોખ્ખોચણાક

ભુજમાં હાથલારીઓ સામે કાર્યવાહી થકી વાણિયાવાડ વિસ્તાર થયો ચોખ્ખોચણાક
ભુજ, તા. 15 : વહેલી સવારથી મોડી સાંજ સુધી હાથલારીવાળાના જમેલા સાથે ભરચક રહેતા શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આજે એસ.પી.ની સરપ્રાઇઝ મુલાકાત બાદ ટ્રાફિક શાખાનો કાફલો હરકતમાં આવતાં હાથ ધરાયેલી કાર્યવાહીથી વાણિયાવાડ વિસ્તાર અને ચોક ચોખ્ખા અને પહોળા બન્યા હતા.  બહાર આવેલી વિગતો અનુસાર આજે સવારે એસ.પી. સૌરભ તોલુંબિયાએ વાણિયાવાડ સહિતના વિસ્તારોની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. સ્થિતિ જોયા બાદ તેમણે કરેલા આદેશો થકી જિલ્લા અને શહેર ટ્રાફિક શાખાનો કાફલો હરકતમાં આવતાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જૂના બસ સ્ટેશન વિસ્તારવાળી લાઇન ઉપરાંત વાણિયાવાડ સ્થિત ભીંડી બજાર અને વાણિયાવાડ ચોક વગેરે સ્થળે લારીવાળા સામે સ્થળ ઉપર દંડની કાર્યવાહી કરાઇ હતી. આ સમયે રસ્તાની બાજુએ વ્યવસ્થિત રીતે ઉભા રહી ગયેલા લારીવાળાઓ બાદમાં બપોરના સમયે અદ્રશ્ય જેવા થઇ ગયા હતા. કામગીરી અંતર્ગત આડેધડ પાર્ક થયેલા વાહનો સામે દંડની અને લોક લગાડવાની કાર્યવાહી પણ કરાઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer