પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ 10 દિ'' રિમાન્ડમાં

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ 10 દિ'' રિમાન્ડમાં
ગાંધીધામ, તા. 15 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના હત્યાકાંડના મુખ્ય કાવતરાંખોર એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને અમદાવાદથી પોલીસે પકડી પાડયા બાદ આજે ભચાઉની કોર્ટમાં રજૂ કરાયા હતા. આ મુખ્ય તહોમતદારના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા જયંતી ભાનુશાલી હત્યાકાંડની ફરિયાદમાં મુખ્ય કાવતરાંખોર તરીકે બતાવાયેલા છબીલ પટેલ અમેરિકાથી બે મહિના બાદ પરત ફરતાં પોલીસે અમદાવાદથી તેમને દબોચી લીધા હતા. દરમ્યાન, આજે ભચાઉની કોર્ટમાં તેમને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરાયા હતા. ભચાઉના અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ 24 જેટલા મુદ્દાઓ સાથે આ મુખ્ય કાવતરાંખોરને રજૂ કરાયા બાદ બંને પક્ષના ધારાશાત્રીઓ વચ્ચે દલીલો થઇ હતી. અંતે ન્યાયાધીશે આ ચકચારી હત્યાકાંડના મુખ્ય તહોમતદાર એવા છબીલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમની પાસે રહેલા જુદા જુદા મોબાઇલ હાલમાં ક્યાં છે, અમેરિકામાં કોને ત્યાં રોકાયા હતા, આ બનાવને કેવી રીતે અંજામ અપાયો હતો, આ બનાવમાં અત્યાર સુધી છ?લોકોની અટક કરાઇ?છે તો મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉ ક્યાં છે, તે સહિતની તપાસ સીટની ટીમ આ 10 દિવસ દરમ્યાન કરશે તેવું જાણવા મળ્યું હતું. ભચાઉની કોર્ટથી આ તહોમતદારને ગાંધીધામ રેલવે પોલીસ મથકે લઇ?અવાયા હતા જ્યાં ફિંગરપ્રિન્ટની નિશાની લેવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. દરમ્યાન, આ જ પ્રકરણમાં પકડાયેલા સિદ્ધાર્થ પટેલના આવતીકાલે વધારાના મળેલા રિમાન્ડ પૂર્ણ થતાં હોઇ તેને ભચાઉની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગતો સાંપડી  હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer