મોથાળામાં મહેશ્વરી સમાજના પ્રમુખ-સભ્યોને ધમકી સાથે હુમલાની ફોજદારી

મોથાળામાં મહેશ્વરી સમાજના પ્રમુખ-સભ્યોને ધમકી સાથે હુમલાની ફોજદારી
ભુજ, તા. 15 : અબડાસાના મોથાળા ગામે મહેશ્વરી સમાજના પ્રમુખ તથા જ્ઞાતિજનોને ધાકધમકી અને ગાળાગાળી સાથે હુમલો કરવા બાબતે ગામના જ અગ્રણી અને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ધનજી મૂળજી હેંગણા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. મોથાળા મહેશ્વરી સમાજના સભ્યોએ આ મામલે ગઇકાલે ગુરુવારે ભુજ આવી કલેક્ટર અને એસ.પી. સમક્ષ આવેદનપત્ર આપી કરેલી રજૂઆત-ફરિયાદ બાદ ગતરાત્રે નલિયા પોલીસે આ ગુનો દાખલ કર્યો હતો.  મોથાળાના શિવજી કાનજી મહેશ્વરીની ફરિયાદ લઇને નલિયા પોલીસે આ મામલામાં ધનજીભાઇ હેંગણા સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.  હેડ કોન્સ્ટેબલ યશવંત ચૌહાણને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા સમાજમાં ખોટી પ્રવૃત્તિ થતી હોઇ, આ માટે તેમને સમજાવવા ફરિયાદી તથા અન્યો તેમના ઘરે ગયા ત્યારે તેમણે મહેશ્વરી સમાજના પ્રમુખ અને સભ્યોને ધાકધમકી અને ગાળાગાળી કરવા સાથે ફરિયાદી શિવજીભાઇને માર માર્યો હતો. બીજી બાજુ, આ મામલામાં નલિયા પોલીસ દ્વારા યોગ્ય પગલાં ન લેવાયા હોવાની ફરિયાદ રજૂઆત સાથે મોથાળા મહેશ્વરી સમાજના સભ્યો ગઇકાલે ગુરુવારે જિલ્લા મથક ભુજ આવ્યા હતા અને તેમણે કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. આ પછી ગુનો દાખલ કરાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer