ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઓમ ફાઉ. દ્વારા યોગ સાયકોથેરાપી સત્રનો આરંભ

ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઓમ ફાઉ. દ્વારા યોગ સાયકોથેરાપી સત્રનો આરંભ
ભુજ, તા. 15 : મહિલા સશક્તિકરણના ભાગરૂપે અહીંના ઓમ ફાઉન્ડેશન દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે રહેતી બહેનો માટે 108 સત્રની એકવર્ષીય યોગ સાયકોથેરાપી શિબિરનો આરંભ કરાયો હતો. આ પહેલ-વહેલું યોગ સાયકોથેરાપી કેન્દ્ર છે. કેન્દ્ર ખાતે રહેતી મહિલાઓ, કિશોરીઓ માનસિક, શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે પોતાના ભૂતકાળથી જોડાયેલા દુ:ખ, યાદો અને ભવિષ્યની બિનજરૂરી ખોટી ચિંતાથી મુકત થઇ વર્તમાનમાં ઉપસ્થિત રોજિંદા  જીવનના દૈનિક આવશ્યક કાર્યો ઉપર એકાગ્ર- મનથી ધ્યાન આપવા માટે અને જીવનમાં આવતા તણાવોના સકારાત્મક રીતે સામનો કરવા  યોગ્યતા મેળવવા માટે ઓમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા યોગ સાયકોથેરાપીના 108 સત્રોના એકવર્ષીય કાર્યક્રમનો આરંભ કરાયો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય કૌશલ્યાબેન માધાપરિયા, કચ્છ મહિલા કલ્યાણ?કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ, જાયન્ટ્સ ગ્રુપ ભુજના પ્રમુખ મધુકાંતભાઇ આચાર્ય, ભાનુબેન પટેલ, ધવલભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ સાઇકોથેરાપીના એકવર્ષીય કાર્યક્રમમાં યોગિક સાયકોથેરાપીની વિવિધ વિધિઓ સાથે લાઇફ સ્કિલ્સ ડાયનેમિક મેડિટેશનના ઉપયોગ દ્વારા શરીર અને મન વચ્ચે યોગ્ય સંતુલન મેળવીને મનની ચેતન અને અચેતન પ્રક્રિયાઓમાં સામંજસ્ય સ્થાપિત કરી આત્મજાગૃતિ દ્વારા આત્મબોધ પ્રાપ્ત કરવાની તાલીમ અપાશે, જેમાં મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્મા, રમત-ગમત ક્ષેત્રના નિષ્ણાતો ડો. દિનેશ ડાકી, ડો. રાજકુમારસિંહ ઝાલા, માનસિક-સામાજિક કાર્યકર રાહુલ ચિબ, યોગ શિક્ષિકા પલ્લવીબેન સુધીર રાઠોડ સાથે અન્ય મનોવૈજ્ઞાનિકો પોતાની સેવા આપશે. ઉપરોકત કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન કચ્છ યુનિવર્સિટીના  ડો. કલ્પનાબેન સતીજા અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર એડવોકેટ સુનિતાબેન ભણશાલી રહેશે. કાર્યક્રમ સફળ બનાવા ઇલાબેન અંજારિયા, ભૂમિકાબેન, દીપાલીબેન, રમેશભાઇ ભટ્ટ, રાજેશભાઇ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ હેમંતભાઇ ઠક્કરે કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer