હવે કચ્છની બીજી ટ્રેન પણ ઉત્કૃષ્ટ રેક સાથે દોડાવાશે

હવે કચ્છની બીજી ટ્રેન પણ ઉત્કૃષ્ટ રેક સાથે દોડાવાશે
ગાંધીધામ, તા. 15 : પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપવાની નેમ સાથે ઉત્કૃષ્ટ પ્રકલ્પ અંતર્ગત કચ્છથી મુંબઈ વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી ભુજ દાદર એક્સપ્રેસની રેક અપગ્રેડ કરાયા બાદ કચ્છની એસી એક્સપ્રેસ ટ્રેન પણ આવતીકાલથી આ આધુનિક ઉત્કૃષ્ટ રેક સાથે દોડાવવા નિર્ણય લેવાયો છે.  રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પ્રવાસીઓને આરામદાયક સફર ઉપર વિશેષ ધ્યાન આપી અપગ્રેડ કરાયેલા પ્રોજેક્ટ ઉત્કર્ષ અંતર્ગત ભુજ બાન્દ્રા એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ (22903-22904)ને આવતીકાલે બાન્દ્રા ટર્મિનસથી નવી અત્યાધુનિક રેક સાથે રવાના કરાશે. બાન્દ્રા ડીપોથી ઉત્કૃષ્ટ રેક સાથે નીકળનારી એસી એક્સપ્રેસ પ્રથમ ટ્રેન છે. નવા અત્યાધુનિક ઉત્કૃષ્ટ કોચમાં પ્રવેશદ્વાર અને શૌચાલયોની અલગ અલગ ડિઝાઈન બનાવવામાં આવી છે. શૌચાલયો સૂકા રહે તે માટે પોલીમરાઈડ ફલોરિંગ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેનમાં અપર બર્થ ઉપર ચડવામાં સરળતા રહે તે  માટે સ્ટેનલેસ સ્ટીલની સીડી લગાડવામાં આવી છે. એ.સી. એક્સપ્રેસ ઉપરાંત ઉધના વારાણસી એક્સપ્રેસમાં પણ આ રેક જોડવામાં આવતાં પશ્ચિમ રેલવેની  ઉત્કૃષ્ટ રેક સાથે દોડતી ટ્રેનોની સંખ્યા 9 થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer