ક્રાઇસ્ટચર્ચ હુમલા બાદ કિવી અને બાંગલાદેશની ત્રીજી ટેસ્ટ મેચ રદ

ક્રાઇસ્ટચર્ચ, તા. 15 : અહીં આજે સવારે બે મસ્જિદ પરના આતંકી હુમલા દરમિયાન બંગલાદેશની ક્રિકેટ ટીમ સહેજમાં બચી ગઇ છે. આ ઘટના બાદ બાંગલાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં શનિવારથી શરૂ થઇ રહેલી ત્રીજી અને આખરી ટેસ્ટ રદ કરી દેવામાં આવી છે. ભયભીત બાંગલાદેશી વહેલામાં વહેલી તકે વતન પરત ફરશે. આઇસીસીએ મેચ રદ કરવાને સમર્થન આપ્યું છે. બાંગલાદેશની ટીમ ક્રાઇસ્ટચર્ચના હેગ્લે પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદમાં શુક્રવારે સવારે નમાજ પઢવા પહોંચી હતી. ત્યારે હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેની વાતચીત બાદ ત્રીજી ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ આતંકી ઘટનામાં લગભગ પ0 લોકોનાં મૃત્યુ થયાં છે. બાંગલાદેશની ટીમ નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ કરવાની હતી ત્યારે જ ફાયરિંગનો અવાજ શરૂ થયો હતો. આથી તમામ ખેલાડીઓ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. બાંગલાદેશની ટીમના ખેલાડી તમિમ ઇકબાલે આ આતંકી ઘટના બાદ ખોફનાક દાસ્તાન પર ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે મોતથી નજીકથી પસાર થઇને ખેલાડી સુરક્ષિત બચી નીકળ્યા છે. અમારા માટે આ બહુ મોટો ડરાવનારો અનુભવ રહ્યો. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તો બાંગલાદેશના સુકાની મુશફકિર રહીમે ટ્વિટ કર્યું કે અલ્લાની મહેરબાનીથી અમે બધા બચી ગયા. અમે નસીબદાર છીએ. અમે બીજીવાર આવી ઘટના જોવા માગતા નથી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer