સુપ્રીમે શ્રીસંથ પરનો આજીવન પ્રતિંબધ હટાવ્યો

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે આજે ક્રિકેટર શાંતાકુમાર શ્રીસંથ પરનો આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંથ પરના પ્રતિબંધ દૂર કરવાના ફેંસલા સાથે બીસીસીઆઇને ત્રણ મહિનાની અંદર આ મામલે આખરી નિર્ણય લેવાની મુદત આપી છે. બીસીસીઆઇના ફેંસલા સુધી શ્રીસંથ ક્રિકેટ રમી શકશે નહીં. આઇપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગમાં ઝડપાયા બાદ બીસીસીઆઇએ શ્રીસંથ પર આજીવન પ્રતિબંધ લાદી દીધો હતો. હવે આજે સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યંy છે કે ક્રિકેટર એસ. શ્રીસંથ પરની સજા વધારે છે. બીસીસીઆઇ તેની સજા પર વિચારે અને ત્રણ મહિનાની અંદર નિર્ણય લે. સુપ્રીમે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, બીસીસીઆઇ તેને સજા આપવાનો અધિકાર ધરાવતી નથી. બીસીસીઆઇને કોઇ પણ મામલે ક્રિકેટર પર શિસ્તભંગની કાર્યવાહીનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળ્યા બાદ 36 વર્ષીય શ્રીસંથે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે મને લાઇફ લાઇન આપી છે. આથી મને મારું ગુમાવેલું સન્માન પાછું મળશે. મેં ક્રિકેટનો અભ્યાસ શરૂ કરી દીધો છે. આશા છે કે જલ્દીથી ફરી ક્રિકેટ રમવા લાગીશ. ભારત તરફથી 27 ટેસ્ટ, પ3 વન-ડે અને 10 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનાર આ ઝડપી બોલરે બીસીસીઆઇને અપીલ કરી છે કે તેના પર ફેંસલો લેવા માટે પૂરા 90 દિવસનો સમય ન લે અને તુરત રાહત આપે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer