ભુજનો યુવા ક્રિકેટર મસ્કતમાં અલ તુર્કી ટીમ વતી ક્રિકેટ રમશે

ભુજનો યુવા ક્રિકેટર મસ્કતમાં અલ તુર્કી ટીમ વતી ક્રિકેટ રમશે
ભુજ, તા. 15 : તાજેતરમાં દેશના પ્રસિદ્ધ કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં આવેલી 1983ની વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સંદીપ પાટિલે જે કચ્છી પરિવારની વિગતે વાત કરેલી એ અખાતના દેશોમાં સ્થિર થયેલા ખીમજી રામદાસ પરિવારે ક્રિકેટ સાથેનો નાતો અને લગાવ આજે પણ જાળવી રાખ્યા છે, તેનું પ્રમાણ ભુજના યુવા ક્રિકેટરને ઓમાન બોલાવવાની ઘટના પરથી મળે છે. કચ્છના જૂની પેઢીના ક્રિકેટરો રવીન્દ્ર આચાર્ય, જશવંત બકરાણિયા, નરેન્દ્રસિંહ જાડેજા સાથે વરસો સુધી ક્રિકેટ રમેલા અરવિંદ ગુંસાઇ?(એ.ટી.)ના પુત્ર ધવલ ગુંસાઇની બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગથી પ્રભાવિત થઇને ચૈતન્ય ખીમજી (ખીમજી રામદાસ એન્ડ કું.)એ અલ તુર્કી (મસ્કત)ની ટીમ માટે પસંદગી કરી તાકીદે ભુજથી ઓમાન પહોંચવા અનુરોધ કરતાં આ યુવાન રવિવારે રવાના થઇ રહ્યો છે. ખી.રા.ની પેઢી સુધી કે ચૈતન્યભાઇ?સુધી ધવલ ગુંસાઇના ક્રિકેટને ભુજ સિટી સ્પોર્ટસના મુકેશ ગોર તથા મસ્કત સ્થિત ભરતભાઇ?બારમેડાએ પહોંચાડયો અને ચૈતન્ય ખીમજીએ ધવલને મુંબઇ બોલાવી અલ તુર્કી (મસ્કત) માટે રમવાનું આમંત્રણ આપ્યું જે દર્શાવે છે કે કચ્છ માંડવીનો આ ઉદ્યોગપતિ પરિવાર આજે પણ કચ્છ અને ક્રિકેટના મુદ્દે ઓળઘોળ છે. 29 વર્ષીય યુવા ઓલરાઉન્ડર ધવલ ગુંસાઇ કચ્છ ક્રિકેટ એસો. અને ગોવા ક્રિકેટ એસો. વતી ક્રિકેટ રમી ચૂક્યો છે. ડિસ્ટ્રીક્ટ રૂરલનો તો એ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. મૂળ ભુજ ઇંગ્લિશ સ્કૂલમાંથી ભણીને જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ સુધી ભણેલા ધવલને ક્રિકેટના ગુણ પિતા  પાસેથી વારસામાં  મળ્યા છે. આ  ઉપરાંત રણજી  ટ્રોફીના ખેલાડીઓ રવીન્દ્ર આચાર્ય અને અનિલ ઠકરાર પાસેથી ધવલે પદ્ધતિસરનું કોચિંગ મેળવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer