છતી ગ્રાંટે શિક્ષકો મોંઘવારી વધારાના એરિયર્સથી વંચિત

ભુજ, તા. 15 : તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો ગત ફેબ્રુઆરી માસનો પગાર થઈ ગયો પરંતુ પગારની સાથે 7 માસનું પૂરવણી બિલ ન મળતાં શિક્ષકોમાં નારાજગી વ્યાપી છે. જો કે આ ચૂકવણી ન થવા પાછળ ઈન્કમ ટેક્સ ગણતરી પણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ગત 5 માર્ચના ગાંધીનગર નિયામક કચેરીમાંથી કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે રૂા. 36 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આ ગ્રાન્ટમાંથી પગાર ઉપરાંત મોંઘવારી વધારાના તફાવતની રકમ પણ ચૂકવવી તેમ છતાં નિયામકની સૂચનાને પણ ઘોળીને પી જવાઈ છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આના પાછળ શહેરના કેટલાક જૂના શિક્ષકોની ઈન્કમ ટેક્સ બચાવવાની ગણતરી કારણભૂત છે. તાલુકાના ઘણાખરા શિક્ષકો ગત માસે જ્યારે ઈન્કમ ટેક્સનું ફોર્મ ભરતા હતા ત્યારે તેમને દ્વિધા હતી કે ફેબ્રુઆરી માસના પગાર ગ્રાન્ટની સાથે મોંઘવારી વધારાની ગ્રાંટ આવશે કે કેમ? અથવા આવશે તો 31 માર્ચ પહેલાં મળશે કે કેમ? અમુક શિક્ષકોએ ટેક્સ બચાવવાના પોતાના અંગત સ્વાર્થ જોવાનાં કારણે બાકીના શિક્ષકો મોંઘવારી વધારા તફાવતથી વંચિત રહી જવા પામ્યા છે. આ સામે કેટલાક પ્રામાણિક શિક્ષકોએ ફોર્મમાં મોંઘવારી વધારાના એરિયર્સની રકમ બતાવી દીધી છે તો તેમનો શું વાંક ? વળી તાલુકાના ઘણા શિક્ષકો એવા છે કે આ વખતે ઈન્કમ ટેક્સ કપાવવાના કારણે તેમનો પગાર સાવ ઓછો આવ્યો છે અને તેમાં વળી શહીદોના ફાળાની રકમ પણ કપાઈ છે. એટલે ઘણા શિક્ષકોને લોનના હપ્તા ચૂકવવાના પણ ફાફાં પડયા છે ત્યારે ખરેખર જો આ વખતે તેમને પગારની સાથે મોંઘવારી એરિયર્સની રકમ મળી હોત તો તેમના માટે ખૂબ જ રાહત થઈ હોત.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer