ચૂંટણી ફરજોમાં રાજકીય સંબંધવાળા કર્મી ?

ભુજ, તા. 15 : લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તંત્રમાં વેગવંતો બની રહ્યો છે. એ સાથે વિવિધ સવાલો પણ ઊઠી રહ્યા છે. તેમાં શિક્ષણજગતના ઉચ્ચ સૂત્રોએ એવી રાવ ઉઠાવી છે કે, ચૂંટણી કામગીરીના હુકમો બહાર પાડવામાં તેમના એવા અભિપ્રાયોને ધ્યાનમાં લેવામાં આવતા નથી કે તેમના હેઠળના જે-તે કર્મચારીઓ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે કે તેમના માટે પ્રચારમાં સક્રિય છે. જો કે, આ સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્રે એવી સ્પષ્ટતા કરી હતી કે, માત્ર રાજકીય પક્ષોનું લખાણ જ માન્ય ગણાય છે, બાકી આવા અભિપ્રાયનો ગેરઉપયોગ થવાની પણ સંભાવના છે. કોલેજ-યુનિવર્સિટી સાથે જોડાયેલા વરિષ્ઠ પ્રાધ્યાપકો અને કેટલાક આચાર્યનો એવો આક્ષેપ છે કે, ચૂંટણીના હુકમો બહાર પડતાં પહેલાં દરેક તંત્ર પાસેથી સ્ટાફની વિગત મગાવાય છે. જેથી કામગીરીના ઓર્ડર બહાર પાડી શકાય, પરંતુ તેની સામે કોઇ કર્મચારી રાજકીય રીતે સક્રિય હોય તો તેનો ઉલ્લેખ પણ કરવાનો રહે છે. આ ઉલ્લેખવાળા વ્યક્તિ પાસે નિષ્પક્ષતાના ધોરણને ધ્યાનમાં રાખતાં તંત્રએ ચૂંટણીકામ ન સોંપવું જોઇએ અથવા તો તેમના આવા અભિપ્રાયનો કોઇ મતલબ સર થતો નથી. જો કે, આ સંદર્ભે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, કોઇ રાજકીય પક્ષે અમને લેખિતમાં જણાવ્યું કે, જે-તે વ્યક્તિ અમારો કાર્યકર છે. તો જ તેમનો ચૂંટણી હુકમ રદ થઇ?શકે છે ! બાકી, સંબંધિત તંત્ર કે આચાર્યના વડાનો મત ગ્રાહ્ય રાખવામાં નથી આવતો કારણ કે, ગેરઉપયોગની પણ સંભાવના નકારી શકાતી નથી. 14થી 15 હજાર કર્મચારીઓ આ લોકશાહી મેળામાં કામે લાગે છે પણ હજુ તો ઓર્ડર બહાર પાડવાનું બાકી છે, ત્યાં દોઢ-બે હજાર વ્યક્તિઓની  ચૂંટણી ફરજમાંથી મુક્તિની વિનંતી તંત્ર માટે દુ:ખદ છે.  સિવાય કે  ખરેખર વ્યક્તિ બીમાર હોય કે કોઇ પક્ષનો સાચા અર્થમાં હોદ્દેદાર હોય. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer