કેબલ ટીવી સમાચાર માટે હવે આકરો નિર્ણય લેવાયો

ભુજ, તા. 15 : કચ્છમાં વિવિધ સ્થળે કેબલ દ્વારા પ્રસારિત થતા સ્થાનિક ટીવી સમાચાર દર્શાવવા માટેની લાયસન્સ પરવાનગી હવે નાયબ કલેક્ટર નહીં ખુદ કલેક્ટર પાસેથી લેવી પડશે. કચ્છમાં જિલ્લામથક ભુજ ઉપરાંત ગાંધીધામ, નખત્રાણા, નલિયા, મુંદરા, માંડવી સહિતના સ્થળોએ કેબલ આધારિત સીડી મારફતે દર્શાવવામાં આવતા જુદા જુદા સમાચારના પ્રસારણ માટે જે તે વિસ્તારના પ્રાંત અધિકારીને પરવાનગીની સત્તા અત્યાર સુધી આપવામાં આવી હતી. પરંતુ કચ્છના કલેક્ટર રેમ્યા મોહને એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે હાલ પ્રાંત અધિકારીઓ પાસે અછત અને ચૂંટણી સંબંધી વધારાની કામગીરી હોવાથી કેબલ ટીવી સમાચાર માધ્યમોને આપવાના થતા લાયસન્સના અધિકારો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે નાયબ કલેક્ટર પાસેથી પરત લેવામાં આવે છે. સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ હવેથી આ પ્રકારના સમાચાર દર્શાવવાના લાયસન્સ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા કલેક્ટર પાસેથી લેવા ન્યૂઝ પ્રસારિત કરવા કે કરાવવા માગતા અરજદારોને અનુરોધ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer