જાંબુડી જમીન બાબતે સિવિલ કોર્ટનો મનાઇહુકમ સેશન્સમાં પણ કાયમ

ભુજ, તા. 15 : તાલુકાના જાંબુડી ગામે સાંથણીની જમીનના વેચાણ મામલે સિવિલ કોર્ટ દ્વારા અપાયેલા મનાઇહુકમ વિશેના આદેશને જિલ્લા અદાલત દ્વારા પણ કાયમ રાખતો નિર્ણય અપાયો હતો. તો બીજીબાજુ લાંચ લેવા વિશેના કેસમાં ગાંધીધામ સ્થિત ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર મધુસુદન જીવણભાઇ પરમારનો કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો થયો હતો. જાંબુડી ગામે સર્વે નંબર 101 ખાતે આવેલી સાંથણીમાં મળેલી જમીનની વેચસાટ મામલે દાવો દાખલ કરી મનાઇહુકમ મગાયો હતો. ભુજના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ આર.વી. મંદાનીએ મનાઇહુકમ આપતો આદેશ કર્યો હતો. આ હુકમ સામે અધિક સેશન્સ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જેને અદાલતે નામંજૂર કરી સિવિલ કોર્ટનો આદેશ કાયમ રાખતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં પ્રતિવાદી તરફે વકીલ તરીકે મજીદ એલ. મણિયાર, નિંઝાર એમ.ભાંભવાણી, આસિફ ડી. માંજોઠી અને અ.રહિમ એ. મેમણ રહ્યા હતા.બીજીબાજુ ગાંધીધામ સ્થિત ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર મધુસુદન પરમારનો તેમની સામે થયેલા લાંચ લેવા વિશેના કેસમાં નિર્દોષ છુટકારો થયો હતો. જૂન-2011માં આ કેસ થયો હતો. ગાંધીધામના ખાસ જજ આર.જી.દેવધરા સમક્ષ કેસની સુનાવણી થઇ હતી. તેમણે પાંચ સાક્ષી અને 14 દસ્તાવેજી પુરાવા તપાસી ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયાનું તારણ આપી શંકાના લાભ સાથે આરોપીને છોડી મૂકતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી કે.ટી. ચૌધરી સાથે વી.પી.ગઢવી, એન.એલ. વાઘેલા, ડી.પી.જોશી, જી.પી. ખત્રી અને એશ્વર્યા ચૌધરી રહ્યા હતા.તડીપાર વિશેની અરજી નામંજૂર   ભુજ તાલુકાના મોટા બંદરા ગામના નરપતાસિંહ વેલુભા જાડેજા સામે પોલીસ દ્વારા કરાયેલી તડીપાર કરવાની દરખાસ્તને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવાનો આદેશ થયો હતો. આ કેસમાં નરપતાસિંહના વકીલ તરીકે ભુરૂભા આર.જાડેજા, સંજય પી. મહેશ્વરી રહ્યા હતા.એટ્રોસીટીના કેસમાં છુટકારો મુંદરા પોલીસ મથકમાં નોંધાયેલા એટ્રોસીટી ધારા સહિતની કલમો તળેના ઓકટોબર-2010માં દિવાળીની રાત્રે બનેલા કેસમાં ત્રણ આરોપી વિજયાસિંહ ભાણજીભા જાડેજા, શરદાસિંહ ભૂપતાસિંહ જાડેજા અને હરદીપાસિંહ લધુભાને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. ભુજના ખાસ જજ એલ.જી. ચૂડાસમાએ આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે ભુરૂભા જાડેજા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer