મેઘપર (કું)માં ભાવિ પતિએ યુવતીની કરી હત્યા

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડીમાં આવેલા તિરૂપતિનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી ફરઝાના ઉર્ફે પૂજા (ઉ.વ. 25) નામની યુવતીને તેના પતિ તરીકે રહેતા ઈસમે ગળે ટૂંપો આપી તેની હત્યા નિપજાવી હતી. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આદિપુરની પછવાડે તિરૂપતિનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યાના અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો. મૂળ ભુજ તાલુકાનાં ડગાળાનો દાઉદ અલીમામદ જામ નામનો ઈસમ આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. મજૂરી કરનારા આ યુવાનને ત્રણેક મહિના અગાઉ ગાંધીધામના પુલિયા નીચે રહેનાર ફરઝાના ઉર્ફે પૂજા નામની યુવતી સાથે આંખ મળી હતી.આ બંને ત્યારથી એક જ ઝૂંપડામાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. થોડા સમયમાં તેમનાં લગ્ન થવાના હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન આ ઈસમને યુવતીના ચારિત્ર્ય બાબતે શક વહેમ જતાં તેણે યુવતીના ગળામાં રહેલા દોરા વડે તેને ટૂંપો આપી તેની હત્યા કરી નાસી ગયો હતો. આ અંગે આસપાસના લોકોને ખબર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જે અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરાઈ હતી.આ બનાવને પગલે પોલીસ ત્યાં પહોંચી હતી અને છાનબીન કરી હતી. તેમજ તબીબી અભિપ્રાયમાં પણ હત્યા હોવાનું બહાર આવતાં ચકચાર પ્રસરી હતી. દરમ્યાન પોલીસે આ ઈસમ દાઉદને પકડી પાડતાં તેણે પોતે જ હત્યા કરી હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. આ બનાવમાં રમેશ જખરા કુડેચાએ પોલીસ મથકે દાઉદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer