જિલ્લામાં શિક્ષિકા યુવતી સહિત ચાર જણના આપઘાત

ભુજ, તા. 15 : જિલ્લામાં આજે આત્મહત્યાની જુદી જુદી ચાર ઘટનામાં શિક્ષિકા યુવતી સહિત ચાર વ્યક્તિએ મોત વ્હાલું કરી લીધું હતું. અપમૃત્યુનો રોજિંદો સિલસિલો અવિરત રાખતા આ કિસ્સાઓ પૈકી ભુજ તાલુકામાં રાયધણપર ગામે લોડાઇની શિક્ષક યુવતી મૂળ ચેન્નાઇની વિનોલિયા આલફોન્સ પડયારી (ઉ.વ. 22) દ્વારા પોતાના બનેવીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાઇ હતી. તો ભુજ તાલુકામાં જ ધાણેટી ગામના વાડીવિસ્તારમાં મૂળ ખારોઇ (ભચાઉ) ગામના વતની કાનજી વિભા કોળી (ઉ.વ. 38)એ ઝેરી દવા પી લઇને જીવ દીધો હતો. બીજી બાજુ પૂર્વ કચ્છમાં આદિપુર ખાતે અજિત તુલસી ઠક્કર (ઉ.વ. 35) અને અન્ય કિસ્સામાં પ્રવીણ માંડણ મહેશ્વરી (ઉ.વ. 33)એ ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. અપમૃત્યુના આ ચારેય કિસ્સા પછવાડે નિમિત્ત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ રાયધણપર ખાતે કચ્છ વિકાસ ટ્રસ્ટના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે મૂળ ચેન્નાઇની વતની અને લોડાઇ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી વિનોલિયા આલ્ફોન્સે આજે સવારથી બપોર દરમ્યાન ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ હતભાગી યુવતી રાયધણપર ખાતે તેના બનેવી પરેશભાઇ દાઉદભાઇ પરમારના ઘરે આવી હતી.  ઘરમાલિક પતિ-પત્ની કામ ઉપર ગયા હતા ત્યારે પાછળથી હતભાગી યુવતીએ શયનખંડમાં પંખામાં દુપટ્ટાથી લટકી જઇ જીવ દીધો હતો. બીજી બાજુ ધાણેટી ગામના વાડીવિસ્તારમાં મૂળ ખારોઇ ગામના કાનજી કોળીની આત્મહત્યાનો કિસ્સો બન્યો હતો. પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ હતભાગી યુવાન બુધવારે સંધ્યા સમયે કાના વાલા આહીરની વાડીએ કોઇ ઝેરી દવા પી ગયો હતો. બાદમાં સારવાર દરમ્યાન ભુજની જનરલ હોસ્પિટલમાં આજે સવારે તેણે દમ તોડયો હતો.દરમ્યાન અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર આદિપુર શહેરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેવાની બે ઘટના નોંધાઇ હતી.  ચારવાળી વિસ્તારમાં રહેતા અજિત તુલસી ઠક્કરે ગઇકાલે પોતાના ઘરમાં પંખામાં લટકી જઇ પોતાના જીવન ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જ્યારે બીજા બનાવમાં બુઢા આશ્રમ નજીક રામવાડીમાં રહેતા પ્રવીણ માંડણ મહેશ્વરીએ ગઇકાલે રાત્રે તેના ઘરમાં આડીમાં લટકીને જીવનનો અંત આણ્યો હતો. આ હતભાગી કંપનીમાં કામ કરતો હતો, તેમ પોલીસે ઉમેર્યું હતું. આત્મહત્યાના આ ચારેય કેસમાં બનાવ પછવાડે નિમિત્ત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી. સંબંધિત પોલીસ મથકો દ્વારા અકસ્માત મોતના ગુના દાખલ કરી છાનબીન હાથ ધરાઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer