ભુજ સુધરાઇએ આપ્યો 75 લાખનો ફટકો

ભુજ, તા. 15 : તાજેતરમાં જ આચારસંહિતાના ઓઠા તળે મોંઘા ભાવે કામ આપી ભુજ સુધરાઇ દ્વારા શહેરીજનોને એક કરોડના વધારાના ખર્ચમાં ઉતારી દેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આમ તો ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા કહેવાય છે, પણ તેમાં પણ ખેલ પાર પડાતા હોવાનું જાગૃતોએ જણાવી લોકોને બિનધાસ્ત છેતરી ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ ઊઠયો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજ સુધરાઇ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઇ હોય તેમ સમયાંતરે લોકનાણાંના વેડફાટ અને ખાયકીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે તાજેતરમાં મળેલી કારોબારીમાં ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળના લોકભાગીદારીના ત્રણ કરોડના ઇન્ટરલોકના કામમાં એજન્સીને અંદાજે 75 લાખ રૂા. વધારે ચૂકવવાની મંજૂરી આપી કચેરીની તિજોરીને તો ફટકો અપાયો જ છે, પણ લોકકાર્યોનાં નાણાં પણ વેડફી નખાયાં છે. ચારેક માસ અગાઉ ભુજમાં અલગ-અલગ સ્થળે  ત્રણેક કરોડનાં ઇન્ટરલોકનાં કામોનાં ટેન્ડર બહાર પડાયાં હતાં. જેમાં બે ભુજની અને બે બહારગામની એજન્સીએ ભાવો ભર્યા હતા.  આ ટેન્ડર તાજેતરમાં જ ખોલાયાં હતાં. જેમાં ભુજની બે એજન્સી નિયમો પૂર્ણ ન થતા હોઇ, કામ માટે અસક્ષમ જાહેર કરાઇ અને બહારગામની બે કંપનીમાંથી એકે ભાવ 8 ટકા અને બીજી એજન્સીએ 15 ટકા મૂળ ભાવથી વધારે ભર્યા, જેથી મૂળ ભાવથી આઠ ટકા વધુ ભરનારી એજન્સીને નેગોશિયેશન માટે બોલાવાઇ અને અનેક ચડાવ-ઉતારની દેખાવ પૂરતી પ્રક્રિયા કરી ભાવોભાવ ટેન્ડર મંજૂર કરી વાર્ષિક ભાવે થતા કામથી 25 ટકા વધારે આપી એજન્સીને 75 લાખ આસપાસ વધુ ચૂકવવા નિર્ણય લેવાયો. અત્રે ઉલ્લેખનીય છે કે અમુક ટેન્ડર અમુકને જ ફળે તે માટે નિયમો પણ તે રીતના જ નક્કી કરાતા હોવાથી અન્ય  કોન્ટ્રેક્ટર એ કામ કરવા અસમર્થ જાહેર થાય છે.  એક તબક્કે મુખ્ય અધિકારીએ ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરી ફરીથી ટેન્ડર બહાર પાડવા જણાવી દીધું, પરંતુ આચાર- સંહિતાનાં કારણો આગળ ધરાતાં પ્રક્રિયા આગળ ધપાવાઇ હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરલોકનાં કામો સરેરાશ 25 થી 27 ટકા મૂળ ભાવથી નીચાં આવતાં હોય છે, પણ આ ત્રણ કરોડનું કામ ભાવોભાવ અપાઇ ગયું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer