સ્વરોજગાર અને તાલીમ સહિતની માહિતી આપતી વેબસાઈટનો પ્રારંભ

ભુજ, તા. 15 : દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભુજોડી દ્વારા પોલીટેકનિક કોલેજ ભુજ મુકામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો લક્ષ્મણસિંહ સોઢા (પ્રમુખ, જિલ્લા પંચાયત), પ્રભવ જોષી (જિલ્લા વિકાસ અધિકારી), નીમાબેન આચાર્ય (ધારાસભ્ય), એમ.કે. જોષી (નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી), સંજય સિન્હા (લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર, દેના બેંક), અજિત શર્મા (ડાયરેક્ટર, દેના આરસેટી), ગોવિંદભાઈ ગંઢેર (પ્રમુખ, તાલુકા પંચાયત-અંજાર), સાગર કોટક (અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ), ભાવિન સેંઘાણી (ડીએલએમ, મિશન મંગલમ), પ્રભાત મ્યાત્રા (એનાર્ડે ફાઉન્ડેશન-અંજાર)ના હસ્તે દેના આરસેટીની વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભુજોડી ગામે દેના આરસેટીએ કચ્છના 18થી 45 વર્ષના કોઈપણ યુવાનોને સ્વરોજગારને લગતી 60 જેટલી અલગ અલગ તાલીમો આપતું ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા માર્ગદર્શિત અને દેના બેંક સંચાલિત કચ્છનું એકમાત્ર તાલીમ કેન્દ્ર છે. ગ્રામીણ યુવાનોને આ તાલીમ કેન્દ્રની માહિતી તેમના મોબાઈલમાં મળી રહે તથા પોતાના ગામમાંથી જ આ તાલીમ કેન્દ્રની તાલીમો સાથે જોડાઈ શકે તે માટે ખાસ દેના આરસેટી કચ્છ દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જેમાં સંસ્થાની સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઈન અરજીની પણ વ્યવસ્થા કરેલી છે. કચ્છના લોકો આ વેબસાઈટનો ઉપયોગ કરે અને યુવાનોને આ તાલીમ સંસ્થા સાથે જોડાઈ સ્વરોજગાર ચાલુ કરે તે માટે મહેમાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. હર્ષદ વાસાણી, ફેકલ્ટી, દેના આરસેટી ભુજ દ્વારા વેબસાઈટ અંગેની માહિતી આપવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer