ખાતાકીય કેસમાં દંડ ભરવા છતાં પરિવહનકારો પરેશાન

ભુજ, તા. 15 : વાહનોના ખાતાકીય કેસમાં દંડ ભરપાઈ કરાયા બાદ પણ ભુજ આરટીઓ કચેરીએથી વાહનના કેસ બાદ કરવામાં આવતા ન હોવાથી પરિવહનકારો પરેશાન હોવાની રજૂઆત વાહનવ્યવહાર કમિશનર સુધી કરવામાં આવી છે. કચ્છ જિલ્લા મોટરિંગ પબ્લિક સલાહકાર મંડળના પ્રમુખ ઉમર સમા, સભ્યો હિમાંશુ ગોર, દામજી આહીર અને સંજય રામાનુજે એક પત્ર મારફતે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભુજ સ્થિત આરટીઓ કચેરી દ્વારા માત્ર કમિશનર કચેરીથી હુકમ આવે તે પછી જ કેસ રદ કરવામાં આવતા હોવાને કારણે થઈ રહેલા વિલંબથી ટ્રકમાલિકો પરેશાન છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, કેસ બાદ કરવાની કોઈ સમયમર્યાદા પણ ન હોવાથી વાહનના માલિકો ધંધા વગરના થઈ રહ્યા છે. કોમર્શિયલ વાહનોની બેંક લોન પણ માંડ ભરપાઈ થતી હોય તેવા સંજોગોમાં વાહનમાલિકો આર્થિક રીતે તકલીફમાં મુકાયા છે. અગ્રણીઓએ સ્થાનિક કચેરીએ જ વાહનના દંડ ભરપાઈ થયા બાદ કેસ બાદ કરવાની કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer