ગાંધીધામ સંકુલમાં ખુલ્લેઆમ ચાલતી બીભત્સ પ્રવૃત્તિઓ અટકાવવી જરૂરી

ગાંધીધામ, તા. 15 : શરૂથી વિકસિત અને સતત ધમધમતા આ સંકુલમાં યુવાનો ઉપર પશ્ચિમી સંસ્કૃતિની અસર વધતી જાય છે. કોઈ વાર-તહેવાર કે પ્રસંગે હોટેલ, રેસ્ટોરેન્ટમાં ડી.જે.ના તાલે યુવાનો મદમસ્ત બનીને નાચતા હોય છે. તો સંકુલના સૂના માર્ગો, અવાવરુ જગ્યાઓ ઉપર અમુક યુવાન-યુવતીઓ બીભત્સ ચેનચાળા કરતા પણ નજરે ચડતા હોય છે. આવામાં ત્યાંથી પસાર થનારા લોકો ક્ષોભમાં મુકાતા હોય છે. આ સંકુલના અનેક યુવાનો ઉપર પશ્ચિમી સંસ્કૃતિની જોરદાર અસર જોવા મળી રહી છે. કોઈ વાર-તહેવારે કે પ્રસંગે ડિસ્કોથેકમાં ડી.જે.ના તાલે નાચવું, હુક્કાબારમાં જઈને હુક્કા વડે ધુમાડા કાઢવા, અમુક શાળા, કોલેજમાં ગાપચી મારીને થિયેટરમાં ફિલ્મની મજા માણવા સહિતની અનેક પ્રવૃત્તિઓના રવાડે અહીંના અમુક યુવાનો ચડયા છે.અમુક યુવાનો, યુવતીઓ શાળા, કોલેજ કે કામ, નોકરીની જગ્યાએથી ગાપચી મારીને પોતાના સાથી સાથે એકાંતની પળો માણતા થઈ ગયા છે. અમુક લોકો તો આવાં કામ માટે મકાનો પણ ભાડે રાખતા થઈ ગયા છે. આ સંકુલમાં હજુ એવી અનેક અવાવરુ જગ્યાઓ અને સૂના માર્ગો આવેલા છે. શહેરના ઓમ સિનેપ્લેક્સ નજીક, રમતગમત સંકુલ નજીક, રામબાગ હોસ્પિટલ પાછળ, ઈફ્કોની પાછળવાળો માર્ગ, ડી.પી.ટી.નું દાદા ભગવાન તરીકે ઓળખાતું મેદાન, આદિપુરની કોલેજથી રાજવી ફાટક બાજુ આવનારો માર્ગ, મેઘપર બોરીચીની અમુક સોસાયટીઓ, જી.આઈ.ડી.સી. વગેરે જગ્યાઓ ઉપર છૂટાછવાયા જોડલાં અનેક વખત નજરે પડતા હોય છે. આવી જગ્યાએ ઊભા રહેતા યુવાનો-યુવતીઓ અનેક વખત બીભત્સ ચેનચાળા કરતા પણ નજરે ચડતા હોય છે. જેના કારણે અહીંથી પસાર થનારા લોકો રીતસર શરમમાં મુકાતા હોય છે. રામબાગ હોસ્પિટલની પાછળના ભાગે અગાઉ એક જોડલું ઊભું હતું ત્યારે અમુક શખ્સોએ ત્યાં આવી યુવતીની છેડતી કરી હતી. તો આ જ વિસ્તારની આસપાસ અગાઉ યુવતીની આબરૂ લેવાની કોશિશ કરાઈ હતી. પરંતુ અન્ય લોકો આવી જતાં અસામાજિક તત્ત્વો નાસી ગયા હતા. વારેઘડીએ ઊભા રહેતા આવા છેલબટાઉ જોડલાં પાસેથી અમુક તત્ત્વોએ પોલીસના નામે લૂંટ કરી હોવાના બનાવો પણ બન્યા જ છે. અલબત્ત આબરુ જવાની બીકે આવા બનાવો અંગે ભોગ બનનારાઓએ પોલીસનો દરવાજો ખખડાવ્યો નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જે-તે વખતે આવા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરાઈ હતી. પરંતુ આવું કાંઈ થયું નહોતું. આવા પ્રકારના બનાવોનું ચલણ વધી જતાં કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા જાગૃત નાગરિકો દર્શાવી રહ્યા છે. અગાઉ પોલીસે એન્ટિ રોમિયો સ્ક્વોડ બનાવી હતી, જે શાળા, કોલેજ કે અન્ય જગ્યાએ ઊભા રહેતા લુખ્ખા તત્ત્વોને સબક શીખવાડતી હતી. ત્યારે પુન: આવી સ્ક્વોડ બનાવી આવા સૂના માર્ગે અને અવાવરુ જગ્યાએ ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ અને આ છકી ગયેલા યુવકો, યુવતીઓને પણ સબક શીખવાડવો જોઈએ તેમજ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડનારી યુવતીઓના પરિવારજનોએ પણ જાગૃત થવાની જરૂરિયાત હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer