લોકસભાની ટિકિટ પૂર્વ કે પશ્ચિમ કચ્છને ?

ગાંધીધામ, તા. 15 : લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે જાહેરાત કરતાં જ આમ તો અગાઉથી જ તૈયાર રાજકીય પક્ષો તો સજ્જ  થવા માંડયા છે પરંતુ આમ નાગરિકોમાં પણ ઉત્કંઠા વધવા માંડી છે. કચ્છ અને મોરબીને સાંકળતી કચ્છની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે ઉમેદવારોની પસંદગી કરશે પરંતુ મતદારોમાં આ ટિકિટ પૂર્વ કે પશ્ચિમ કચ્છના ઉમેદવારને મળશે તે મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. વરસોથી પૂર્વ કચ્છને ખાસ તો શાસક ભાજપે ખાસ ટિકિટ આપી નથી. એકમાત્ર?ગત લોકસભામાં પૂનમબેન જાટે સંસદમાં પૂર્વ કચ્છમાંથી ટિકિટ?મેળવીને કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે અગાઉ બાબુભાઇ મેઘજી શાહ વી. પી. સિંઘની સરકાર વખતે પૂર્વ કચ્છમાંથી સાંસદ બન્યા હતા. સામે પક્ષે કોંગ્રેસ તરફે પણ હરિલાલ નાનજી પટેલે સંસદમાં પૂર્વ કચ્છ વતી ટિકિટ?મેળવી હતી. તો ઉષાબેન ઠક્કર પણ સાંસદ બન્યા હતા. રેલવે, મહાબંદર, આવકવેરા, કસ્ટમ અને હવે જી.એસ.ટી. સહિતના કેન્દ્ર સરકારના મહત્ત્વના વિભાગોની વડી કચેરીઓ પૂર્વ કચ્છમાં આવેલી છે. આ સંજોગોમાં પૂર્વ કચ્છના પ્રતિનિધિને ટિકિટ મળે તેવી લાગણી વ્યાપક બની છે. બીજીબાજુ પશ્ચિમ કચ્છના મતદારો સારા અને સક્રિય નેતાને ટિકિટ અપાય તેવું ઇચ્છી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની રણનીતિ બેઠક જીતવાની દિશામાં વધુ હોવાથી કદાચ આ પૂર્વ-પશ્ચિમ વિશે કોઇ?ખાસ વિચારણા ન કરે તેવું શક્ય છે. દરમ્યાન, ટિકિટ ફાળવણી અર્થે બંને પક્ષોના નિયુક્ત આગેવાનો ઔપચારિક રીતે સૌના મત જાણશે પરંતુ આ ટિકિટ મેળવવા માગતા લોકો વહેલાસર જ દિલ્હી સુધી જઇ આવ્યા હોવાનું જાણવા મળે છે. પૂર્વ કચ્છના એક સરકારી અધિકારી પણ ટિકિટ જો મળે તો ઝંપલાવી દેવા ઇચ્છુક હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપને લાગેવળગે છે ત્યાં સુધી હાલના સાંસદ વિનોદભાઇ ચાવડા મોટાભાગે તો બદલાશે નહીં પરંતુ ભાજપનો જ આંતરિક વિખવાદ, સાંસદ બનવાની હોડ, વિવિધ?પ્રકારનું દબાણ?વગેરે પરિબળોને અંતે શું થાય છે તે જોવાનું છે. કોંગ્રેસ પણ બહારથી ઉમેદવાર લાવે છે કે સ્થાનિકના જ કોઇ મજબૂત દાવેદારને ટિકિટ આપે છે તે જોવું રહ્યું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer