ગાંધીધામમાં સીસી ટીવી લગાડવાની કામગીરીમાં કોન્ટ્રેક્ટરને તાકીદ

ગાંધીધામ, તા. 15 : આ સમગ્ર સંકુલમાં ખાનગી પેઢી દ્વારા લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાની કામગીરી દરમ્યાન તૂટેલા માર્ગ અને નબળી ગુણવત્તા અંગે સંકુલના જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી. જે અંગે ગૃહ વિભાગે આ કામગીરી ત્વરિત કરવા જાણ કરી હતી. સ્થાનિક પૂર્વ કચ્છ પોલીસ વડાએ કોન્ટ્રેક્ટરને આ અંગે તાકીદ કરાઈ હોવાનો જવાબ ગૃહ વિભાગને આપ્યો હતો. આ સંકુલમાં સાસ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ જુદી-જુદી જગ્યાએ સીસી ટીવી કેમેરા લગાડાયા છે. આ કેમેરા લગાડતી વખતે સેમિ કોન્ટ્રેક્ટર ઓરેન્જ કંપની દ્વારા માર્ગ ખોદી નખાયા હતા, જે હજુ રિપેર થયા નથી તેમજ ગુણવત્તા અંગે પણ સવાલ ખડા થયા હતા. તે અંગે આદિપુરના રવીન્દ્ર સબરવાલે જુદી-જુદી જગ્યાએ રજૂઆત કરી હતી. આ રજૂઆત અંગે પોલીસે જી.ઓ.જી., જી.આઈ.એલ.ના એમ.ડી. ડો. સંધ્યા ભુલરને ખુલાસો કર્યો હતો. જેની ગૃહ વિભાગ થકી આ અરજદારને જાણ કરાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ, ખાનગી પેઢીએ પાલિકાને પૈસા ભરવાના હતા, જે અંગે પાલિકાએ એકથી વધુ વખત લેખિત જાણ કરવા છતાં આ કંપની પૈસા ભરતી નથી. જેમાં બંને પક્ષે સંકલન કેળવી પૂર્ણ કરાવવા જાણ કરાઈ હતી. આ કામ નબળી ગુણવત્તાનું થતું હોવા અંગે કામ ધારાધોરણ મુજબ થાય તે જોવા સમિતિને જાણ કરાઈ છે.આ તમામ કામ ઝડપી અને નિયમાનુસાર થાય તે માટે તકેદારી રાખી અનુસરવામાં આવી રહ્યું છે તેમજ નિયમાનુસાર આ ખાનગી પેઢી નાણાંની ચૂકવણી કરે તે માટે પણ નોંધ રાખવામાં આવી હોવાનું આ અરજદારને જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer