છબીલ પટેલ અને મનીષા જ હત્યાકાંડના મુખ્ય કાવતરાંખોર

છબીલ પટેલ અને મનીષા જ હત્યાકાંડના મુખ્ય કાવતરાંખોર
ભુજ/અમદાવાદ, તા. 14 : ધારણા મુજબ અને અગાઉથી અંદેશો આપ્યા પ્રમાણે સૂત્રધાર આરોપી માજી ધારાસભ્ય છબીલ નારાણ પટેલ ગત ભાંગતી રાત્રે આરબ અમીરાતના વિમાન દ્વારા અમદાવાદ વિમાની મથકે ઊતરતાં ખાસ તપાસ ટુકડી (સીટ) દ્વારા તેમની ધરપકડ કરાઇ હતી. આવતીકાલે કચ્છમાં ભચાઉની અદાલત સમક્ષ રજૂ કરનારા આ મુખ્ય આરોપી પાસેથી મળનારી કેફિયત અને વિગતો થકી ચર્ચાસ્પદ જયંતી ભાનુશાલી ખૂનકેસમાં ખૂટતી કડીઓ મળવાની અને અન્યોની ભૂમિકા સ્પષ્ટ થવાનો માહોલ જામ્યો છે. સૂત્રધારની ધરપકડ બાદ સીટની ટુકડીએ બોલાવેલી પત્રકાર પરિષદમાં આ હત્યાકાંડમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર હોવાની વિગતો જાહેર કરાઇ હતી.  અમેરિકાના ન્યુયોર્કથી વાયા દુબઇ થઇને ગત ભાંગતી રાત્રે પરોઢિયે સાડા ચારેક વાગ્યે આરબ અમીરાત એરલાઇન્સનું વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે ઊતર્યા બાદ બહાર નીકળી રહેલા છબીલ પટેલને સીટના અધિકારી નાયબ પોલીસ અધીક્ષક જે.પી.રાઓલ અને ઇન્સ્પેકટર શ્રી દવે સાથેની ટુકડીએ હિરાસતમાં લઇ લીધા હતા. એરપોર્ટથી આ મુખ્ય આરોપીને રાનીપ સ્થિત સીટની કચેરીએ લઇ જવાયા હતા. સીટના વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર પણ તુરત ત્યાં દોડી ગયા હતા અને પ્રાથમિક પૂછતાછમાં જોડાયા હતા.  દરમ્યાન સૂત્રધારને હસ્તગત કરી લીધા બાદ આજે બપોરે સીટ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સી.આઇ.ડી. ક્રાઇમના વડા પોલીસ મહાનિરીક્ષક આશિષ ભાટિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછતાછમાં છબીલ પટેલે ગુનાની કબૂલાત તપાસનીશો સમક્ષ કરી હતી. જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં છબીલ પટેલ અને મૂળ કચ્છની અને વાપી પરણાવાયેલી મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર હોવાની વિગતો પણ સ્પષ્ટ બની છે. આ પછી આજે સાંજે ધરપકડની વિધિવત કાયદાકીય કાર્યવાહી પાર પડાઇ હતી. તો આવતીકાલે શુક્રવારે કચ્છમાં ભચાઉ ખાતેની અદાલતમાં છબીલને રિમાન્ડની માગણી સાથે પેશ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ અને તેના રિમાન્ડ અને પુન: રિમાન્ડની પ્રક્રિયા દરમ્યાન કાયદાની ભીંસ ચોમેરથી વધતાં ઘેરાયેલા સૂત્રધારે અંતે કાયદાની શરણાગતિનો માર્ગ અપનાવ્યો હતો. આ મુખ્ય તહોમતદારની પૂછતાછમાં હત્યા કેસને સંલગ્ન ખૂટી રહેલી કડીઓ મળવાની અને જેમની ભૂમિકા હજુ પૂર્ણ રીતે સ્પષ્ટ થઇ નથી તેવા માથાઓ વિશે વિગતો મળવાની આશા શ્રી ભાટિયાએ વ્યકત કરી હતી. તો પ્રકરણમાં સિદ્ધાર્થની ભૂમિકા અને તેના દ્વારા થયેલી કાર્યવાહીની વિગતો પણ આ ઉચ્ચ અધિકારીએ આપી હતી. જાન્યુઆરી મહિનામાં કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાલીની હત્યા થઇ તેનાથી ચારથી પાંચ દિવસ પહેલાં બીજી જાન્યુઆરીના છબીલ પટેલ કાવતરું ઘડયા બાદ  મસ્કત થઇ દોહા પહેંચ્યા પછી અમેરિકા ચાલ્યા ગયો હતો. સીટની ટુકડીએ તેની ધરપકડ માટે ભુજની અદાલત   પાસેથી કલમ 70 મુજબનું વોરન્ટ મેળવ્યું હતું અને આ પછી આ મુખ્ય આરોપી માટે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાવી હતી. આ નોટિસના અન્વયે ઇમીગ્રેશન વિભાગ દ્વારા સૂત્રધારના આગમન વિશે ઇનપુટ પ્રાપ્ત થયા બાદ તેને અંતે દબોચી લેવાયો હતો તેવી વિગતો પણ તેમણે આપી હતી. દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર છબીલ  પટેલની પૂછતાછમાં અન્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ  ઉપરાંત નીતિન થોરાટ સહિતના અન્યોની કાર્યવાહી બહાર આવશે. પકડાયા બાદ પ્રાથમિક પૂછતાછમાં છબીલ પટેલે કેટલીક ઘટસ્ફોટ સાથેની વિગતો તપાસનીશોને આપી હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે. તો આગામી દિવસોમાં હવે તપાસ પરાકાષ્ઠાએ પહેંચવા સાથે બાકી રહેલા સંલગ્ન માથાઓને પણ એક પછી એક ઉઠાવી લેવાય તેવો તખ્તો ઘડાઇ ચૂકયો છે. તો છબીલ અને તેના પુત્ર સિદ્ધાર્થને સામેસામે રાખીને કરાયેલી પૂછતાછમાં પણ કેટલીક મહત્ત્વની માહિતી સપાટી ઉપર આવ્યાની વિગતો પણ જાણવા મળી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer