ખારી રોહર તેલચોરીના ચારેય આરોપીઓ પોલીસે ઝડપી લીધા

ખારી રોહર તેલચોરીના ચારેય આરોપીઓ પોલીસે ઝડપી લીધા
ગાંધીધામ, તા. 14 : તાલુકાના ખારી રોહર નજીક બી.પી.સી.એલ.ના પાઇપમાં કાણું પાડી તેલ ચોરીના બનાવમાં અંતે ચારેય આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હતા. પરંતુ સરકારી એવી લાખોની મગફળી ચોરીકાંડમાં અંજારના રાજકીય અગ્રણીઓ પોલીસ પકડથી જોજનો દૂર છે. ખારી રોહર નજીક આવેલી બી.પી.સી.એલ.ની પાઇન લાઇન સ્પોટ નંબર 122 પાસે કાણું પાડી તેમાંથી રૂા. 8100ના તેલની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે હુસેન ઇસ્માઇલ સોઢા, નૂરા હાજી કોરેજા, કોસર બાવુ પરાર અને હનીફ સુલેમાન કાતિયાર વિરુદ્ધ જુદી જુદી કલમો તળે ગુનો નોંધાયો હતો. આ ચારેય ઇસમોની ધરપકડ કરી તેમને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા પરંતુ રિમાન્ડ નામંજૂર થતાં ચારેયને જેલ હવાલે કરાયા હતા. બીજી બાજુ ગાંધીધામના ગણેશનગર નજીક નાફેડે ખરીદેલી રૂા. 11,35,000ની મગફળી ચોરીકાંડમાં અંજારના ભાજપના હોદેદાર એવા અમીત ઠક્કર અને કાસમ પારા તેમજ હનીફ નામના શખ્સો હજુ પણ પોલીસની પકડમાં આવ્યા નથી. મોટા માથા ગણાતા આવા તત્ત્વો રાજ્ય મૂકીને નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.   આવા મોટા માથાઓ અને સરકારી મગફળીની ચોરી કરનારા તત્ત્વો પોલીસની પકડમાં કયારે આવશે તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer