અંજારમાં `રક્ષિત'' મેકમર્ડોના બંગલામાં અલભ્ય ભીંતચિત્રો પર અસામાજિક તત્ત્વોનું જોખમ

અંજારમાં `રક્ષિત'' મેકમર્ડોના બંગલામાં અલભ્ય ભીંતચિત્રો પર અસામાજિક તત્ત્વોનું જોખમ
ભુજ, તા. 14 : અંજારના મેકમર્ડોના બંગલાના પુરાતન ઈતિહાસને અને તે સ્મારકની જાળવણી કરવાની જેના પર જવાબદારી છે એવો પુરાતન વિભાગ પોતાની મૂળભૂત ફરજ બજાવવામાં સદંતર રીતે નિષ્ફળ રહ્યો છે અને માત્ર કરવા ખાતર પોતાની ફરજ બજાવી રહ્યો છે જે આ બંગલાની દયનીય હાલત જોઈને સ્પષ્ટપણે દેખાય છે. ઈ.સ. 1818માં કચ્છ રજવાડાના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ રાજકીય નિવાસી પ્રતિનિધિ જેમ્સ મેકમર્ડો દ્વારા અંજારમાં તેમના નિવાસ માટે આ બંગલો બનાવવામાં આવેલો ત્યારે તેની દીવાલ પરના ભીંતચિત્રોમાં રામાયણ આધારિત વિવિધ ચિત્ર, રામ- રાવણનું યુદ્ધ, દહન, અશોક વાટિકા, ગોવર્ધન પર્વત, કૃષ્ણ- ગોપી, ફૂલોની ભાત, રાજવી સવારી, બે હાથીઓ, લોકો, મોર, ફળોનાં મહામૂલા અને અલભ્ય ચિત્રો એકદમ અસ્પષ્ટ અને નાશ થવાના આરે છે. આ ચિત્રોનાં કારણે તેને રાજ્ય રક્ષિત સ્મારક (જ - ઋઉં - 46) છે. પરંતુ આ રક્ષિત સ્મારક આજે દયનીય હાલતમાં અને ઉપેક્ષિત પરિસ્થિતિમાં પડું -પડુંની સ્થિતિમાં થપાટની રાહ જોઈને કેટલાક ભાગ ધબાય નમ:ની રાહ જોઈ રહ્યા છે. ઇ.સ. 1819, 1956, 2001ના એમ ત્રણ- ત્રણ વિનાશકારી ધરતીકંપે આ સ્થળને હચમચાવી નાખ્યું અને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે, તેની માર કરતાં પણ વિશેષ માર કેટલાક અસામાજિક તત્ત્વો તેની ગરિમાને ઝાંખપ લગાડીને સમગ્ર કચ્છ જિલ્લાની ધરોહરને નાશવંત કરી રહ્યા છે. જરૂરી જગ્યાએ દરવાજા જ ન હોવાથી ખુલ્લી પડેલી જગ્યાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દારૂની પ્લાસ્ટિકની ખાલી થેલીઓ, ગંદકીના ઢગ જોવા મળે છે.  બંગલાની બહાર પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકનું બોર્ડ લગાડવામાં આવ્યું છે અને આ  બોર્ડમાં લખેલી સૂચના મુજબ `આ બંગલાને નુકસાન કરનાર સજાને પાત્ર છે' એવી જાહેર સૂચનાનું બોર્ડ મૂકીને પોતાની ફરજ બજાવી દીધી હોય તેમ સંતોષ માની લીધો છે. અંજારના હેરિટેજ રૂટમાં મેકમર્ડો  બંગલાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આ સ્થળે  પ્રવાસીઓ-મુલાકાતીઓ આવે ત્યારે આ સ્થળની દયનીય હાલત અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસરની થયેલી પ્રવૃત્તિઓના અવશેષો જોઈને વિમાસણમાં મુકાઈ જાય છે.   દીવાલ પરના અલભ્ય ભીંતચિત્રો કાળક્રમે નાશ પામે અથવા તો કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર તત્ત્વોના હાથે નાશ પામે કે નુકસાન પામે તે પહેલાં આ રક્ષિત સ્મારકની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે અને તે માટેની સાચવણી કરવામાં આવે તો માત્ર કચ્છ જ નહીં પરંતુ દેશ- વિદેશના પ્રવાસીઓ માટે એક સારું જોવાલાયક સ્થળ બની શકે. આવાં ભીંતચિત્રો  જે કચ્છની કમાંગરી કળા તરીકે ઓળખાય છે  તે લગભગ નાશ થવાના આરે છે, તેમ છતાં પણ અમુક જગ્યાએ જોવા મળી રહ્યાં છે જેમાં અંજારના મેકમર્ડોનો બંગલો, ધીણોધર થાન, અબડાસા તાલુકાનાં જૈન  મંદિર, આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ જેવા ગણ્યાગાંઠ્યા સ્થળ પર સચવાયેલાં છે. ત્યારે આવી કળાને ફરીથી જીવંત કરવા તેમજ સાચવણી કરવા સાથેસાથે અંજારના મેકમર્ડોના બંગલાને રક્ષિત સ્મારક બાબતે યોગ્ય પગલાં લેવા માટે કચ્છ ઈતિહાસ પરિષદના મંત્રી પ્રમોદભાઈ જેઠીએ માગણી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer