અબડાસાના 29 ગામોની તરસનો આધાર વાયોરના હેડવર્ક પર

અબડાસાના 29 ગામોની તરસનો આધાર વાયોરના હેડવર્ક પર
સતીશ ઠક્કર દ્વારા
નલિયા (તા. અબડાસા), તા. 14 : દુષ્કાળની પરિસ્થિતિએ ગરડા વિસ્તારમાં તીવ્રરૂપ ધારણ કર્યું છે એટલું જ નહીં તળાવ, જળાશયો મેદાન બની ગયા છે જેના પગલે માનવો માટે પેયજળની સમસ્યાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે. ઢોરો માટે પણ પીવાનાં પાણીનાં વલખાં છે. વાયોર ખાતે આવેલા પાણી પુરવઠાના હેડવર્કમાંથી 29 જેટલા ગામોને નર્મદાનું પાણી તો પહોંચાડાય છે પણ એકાદ અઠવાડિયામાં માંડ એકાદ વખત ગામડાઓને પાણી મળે છે. વાયોરના પેટા પરા ચાર, વાગોઠ, ચરોપડી નાની, ચરોપડી મોટી, મોહાડી, ભારાવાંઢ, કેરવાંઢ, કોષા, ફુલાય, ઉકીર, પખો, અકરી, નાની બેર, મોટીબેર, હોથીયાય, ખીરસરા, વાલાવારી, નવાવાસ, ખારઇ, આ ગામોમાં પેયજળનું પાઇપ લાઇનથી અપાતું પાણી સિવાય કોઇ વિકલ્પ નથી. નખત્રાણા તાલુકાના ખીરસરા પાસેના સંપમાંથી નર્મદાનું પાણી મીઠી ડેમ પાસે આવેલા સમ્પમાં ઠલવાય છે ત્યાંથી 29 કિ.મી. વાયોર ખાતે આવેલા પા.પુ.ના સમ્પમાં ઠલવાય અને તે પછી વારાફરતી અઠવાડિયામાં માંડ એકાદ વખત પાણી મળે છે. પરિણામે પંદરથી સતર હજારની માનવ વસ્તી અને વીસેક હજારનું પશુધન અત્યારથી જ પીવાનાં પાણીની સમસ્યા ભોગવી રહ્યું છે તે જોતાં ઉનાળામાં લોકોને પીવાનાં  પાણી   માટે વધુ વલખાં મારવાં પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એટલું જ નહીં પીવાનાં પાણીની યાતનામાં મૂંગા ઢોર પણ બાકાત નહીં રહે. માથાદીઠ 100 લિટર પાણીની સામે સરેરાશ 10થી 15 લિટર જેટલું પાણી દૈનિક માંડ ગામડાઓમાં પ્રાપ્ય બને છે. રામપર અબડાવાળી પાસે આવેલા અન્ય એક પાણી પુરવઠાના સમ્પમાંથી જખૌ બંદરે અને અન્ય એકાદ ડઝન ગામડાઓને પાણી પહેંચાડાય છે. એ સાથે સંલગ્ન ગામડાઓની સ્થિતિ પણ એવી જ રહી છે. તાલુકાના ફુલાય અને વાઘાપદ્ધર ગામે પણ પીવાના પાણીની બૂમ ઊઠી છે. અધૂરામાં પૂરું હોય તેમ મીઠી ડેમ ખાલી થઇ જતાં લોકોની જીવાદોરી સમાન આ બંધનું પાણી પણ ગામડાઓને બંધ થઇ જતાં સમસ્યા વધુ વિકટ બની છે. નર્મદાનું પાણી પાઇપ લાઇનમાં ભંગાણ પડે ત્યારે તેની પહેલી અસર ગરડા વિસ્તારના ગામડાઓને થાય છે. દૈનિક જરૂરત કરતાં માત્ર વીસ ટકા જેટલું જ પેયજળ પ્રાપ્ત બનતાં લોકોને પાણીનાં બુંદ બુંદ માટે તલસવું પડે છે. પીવાના પાણીની બૂમ તો તાલુકા મથક નલિયામાં પણ વધુ ઉગ્ર બની છે. અહીં નર્મદાનું પાણી ન મળતાં વિકલ્પે નવા બોર તો બનાવવામાં આવ્યા છે તો પણ દૈનિક પાણીની જરૂરિયાતને પ્રશાસન પહોંચી શકતું નથી. પાંચથી સાત દિવસે અલગ અલગ વિસ્તારમાં બોરનું પાણી વિતરિત કરાય છે. જેમાં ક્ષારનું પ્રમાણ (ટી.ડી.એસ.) 2000થી 2500 જેટલું હોવાનાં કારણે પેયજળ માટે આ પાણી કામ આવતું નથી. લોકો  નલિયામાં ધમાણી કૂવાનું પાણી પીવાના ઉપયોગમાં લે છે. પણ દુષ્કાળની અસર આ કૂવાને પણ લાગતાં આ કૂવામાં દરરોજ પાણી સુકાઇ જાય છે. કલાકોની પ્રતીક્ષા પછી થોડું ઘણું પાણી મળતાં તેનો પેયજળ તરીકે ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધમાણી વાવના પાણીમાં ફલોરાઇડની માત્રા અનેકગણી હોવાના કારણે સાંધા, ઘૂંટણ, દાંતની બીમારીથી ઘણા લોકો પીડાય છે. મોથાળા ગામ પાસે કરોડોના ખર્ચે પાણી પુરવઠાનો પ્રકલ્પ તો બનાવવામાં આવ્યો પણ તે મૂર્તિમંત બને તે પહેલાં જ તેનું બાળમરણ થઇ ગયું હોય તેમ આ યોજનાના ફળ લોકોને ચાખવા મળ્યા નથી. અબડાસાના અડધાથી વધુ ગામોમાં પીવાના પાણીની આવી સ્થિતિ સર્જાતાં ઉનાળામાં તો વધુ કપરા દિવસો આવે તેવું અનુભવી લોકો નિશ્ચિત માની રહ્યા છે. દુષ્કાળમાં પેયજળ વ્યવસ્થા સંગીન અને સુદૃઢ?હોવી જોઇએ પણ અફસોસ કે તંત્ર તેવું કરવામાં નિષ્ફળ ગયું છે. નલિયામાં પાણી પુરવઠા બોર્ડની એક નહીં પણ બે કચેરી છે. આ કચેરીના અધિકારીઓના ફોન સતત બંધ આવતા હોય છે. તો દોરડાવાળો ફોન ભાગ્યે જ કોઇ કર્મચારી ઉપાડે છે. ભૂલેચૂકે જો કોઇ ફોન ઉપાડે તો જવાબ મળે કે `સાહેબ નથી, મિટિંગમાં ગયા છે'. નલિયા પાણી પુરવઠા બોર્ડના સાહેબોની દરરોજ મિટિંગો હોય છે ! તાલુકાના ડુમરા ગામે પણ પીવાના પાણીની અવાર-નવાર બૂમ ઊઠે છે. અહીં જિલ્લાનું એકમાત્ર નવોદય વિદ્યાલય આવેલું છે ત્યાં પણ અપાતું પાણી ક્ષારવાળું હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.  અબડાસામાં તમામ 160 ગામો એક સમયે નોસોર્સ હતા. લોકો વીરડીમાંથી પાણી ભરી પોતાની પ્યાસ બુઝાવતા હતા, પણ બે દાયકા પૂર્વે પાણી પુરવઠા બોર્ડે બોર બનાવી નવા સોર્સ શોધી કાઢતાં હળવાશનો અહેસાસ તો થયો પણ હજી સુધી પેયજળનો પ્રશ્ન કાયમી ઉકેલાયો નથી. અબડાસા એ અછતગ્રસ્ત વિસ્તાર છે ત્યારે રાજ્ય અને જિલ્લાનું વહીવટીતંત્ર માનવીય અભિગમ અપનાવી અબડાસાને મળતા પાણીમાં વધારો કરવાની સાથે મોથાળા ખાતે આવેલા પાણી પુરવઠા પ્રકલ્પને જીવંત બનાવે તો જ અબડાસાની પ્યાસ બુઝાવી શકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer