નાના લાયજા બન્યું ઘાસચારા મુદ્દે સ્વાવલંબી

નાના લાયજા બન્યું ઘાસચારા મુદ્દે સ્વાવલંબી
મોટા લાયજા (તા. માંડવી), તા. 14 : કચ્છમાં ચાલુ સાલે દુષ્કાળને પગલે પશુધનને ચોમાસા સુધી પહોંચાડવાનો પડકાર છે. સરકાર, મહાજનો, સ્વૈચ્છિક સંગઠનો પોતપોતાની કક્ષાએ મૂંગા પશુધનને બચાવવા મેદાને છે ત્યારે માંડવી તાલુકાના ખોબા જેવડા નાના લાયજા ગામે 50 એકરના ગૌચર પ્લોટમાં વ્યવસ્થિત ઢબે વિવિધ પ્રકારના ચારાનું વાવેતર કરી ગામના પશુધનના ચારાના પ્રશ્ને ઘણેઅંશે સ્વાવલંબન સાધ્યું છે. ગત સાલ ગૌચરના આ પ્લોટમાંથી ગૌસેવા સમિતિએ શ્રમદાન સહયોગ મેળવી 900 મણ?જેટલો કડબનો ચારો ઉતાર્યો હતો. આ અંગે ગામના સરપંચ વિરમભાઇ ગઢવીએ જણાવ્યું કે, ચાલુ સાલે વર્ષ નબળું હોતાં જુવારના વાવેતરમાં સફળતા મળી નહીં, પરંતુ નદીકિનારે બોર કરી ગુજરાત ઇકોનોમી કમિશનના સહયોગથી 10 એચ.પી.ની સોલાર મોટર લગાડી દેવાતાં પાણીનો પ્રશ્ન હલ થયો છે. જેમાં હાલ આઠ-આઠ એકરના મકાઇના બે પ્લોટ તથા બે એકરમાં લીલોછમ રંજકો લહેરાઇ રહ્યા છે. આ કામ સંપૂર્ણ સેવાના ધોરણે ચાલી સફળતાપૂર્વક પાર પડતાં દૈનિક 40 મણ ચારાનો ઉતારો મળતાં દુષ્કાળને હડસેલો આપવામાં સફળતા મળી છે. વધુમાં વિરમભાઇએ જણાવ્યું કે, આ પ્રકારની કાર્યયોજનાથી 10 ટકા ખર્ચમાં 100 ટકા વળતર મેળવી શકાય છે. સરકારી ઘાસના અપૂરતા જથ્થાની બૂમરાણ વચ્ચે ગામની 350 જેટલી ગાયો માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. જેના સુચારૂ?સંચાલનમાં ગ્રામજનો, યુવાનો, વડીલોનો ઉમદા સહયોગ મળી રહ્યો છે. પશુધન નિભાવક્ષેત્રે સ્વાવલંબી બનવા માટે નાના લાયજા સમગ્ર કચ્છને રાહ ચીંધે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer