શિક્ષણ ક્ષેત્રે ઉદારતાના પ્રયાસો ચાલુ

શિક્ષણ ક્ષેત્રે ઉદારતાના પ્રયાસો ચાલુ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : નખત્રાણા તાલુકાના અંતરિયાળ નાની અરલ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત કન્યા?શાળાનો લોકાર્પણ કાર્યક્રમ કચ્છના રાજકીય અગ્રણી, સ્થાનિક આશ્રમના મહંત, ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમને સ્થાનિક માવજી બાપા આશ્રમના સંત ઇશ્વર ભગતના હસ્તે સાંસદ વિનોદભાઇ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ નયનાબેન પટેલ, તા. ભાજપાના પ્રમુખ રાજેશભાઇ પલણ, જિ.પં.સા. ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ?વાઘેલા, કાનજીદાદા કાપડી, ચંદનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટયથી આરંભ કરાયો હતો. ધીણોધર ડુંગર સમીપેના આ ગામે શૈક્ષણિક વિકાસકામના લોકાર્પણ ટાંકણે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આશીર્વચન આપતાં ઇશ્વર ભગતે નવનિર્મિત કન્યા શાળાનું સંકુલ પરમાત્માની કૃપા ગણાવી હતી. `દીકરી પઢાવો, દીકરી બઢાવો' સૂત્રને કૃતાર્થ કરતા કન્યા શાળા સંકુલને સાક્ષી કરતા આજના પ્રસંગને અને લોકોના ઉત્સાહને બિરદાવતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે તંત્રની ઉદારતાનો લાભ ગ્રામ્ય વિસ્તારોના છેવાડા સુધી મળે તેવા તંત્રના પ્રયત્નો અવિરત ચાલુ છે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ વર્તમાન અછત પરિસ્થિતિના કારણે મૂંગા પશુ-ઢોર તેમજ લોકોની રોજગારીની સમસ્યા નિવારવા સૌએ રાજકીય, સામાજિક મતભેદો ભૂલીને એકજૂટ રહેવા જણાવ્યું હતું. શાળા સંકુલ માટેનું ભૂમિદાન સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાપ્ત થયું તે બદલ શિક્ષણ સમિતિ વતી ગામના અગ્રણીઓ કાંતિભાઇ?પટેલ તથા તુલસીદાસ પટેલે ક્ષત્રિય અગ્રણી વિજયરાજજી જાડેજાનું સન્માન કર્યું હતું. અગ્રણી ભીભાજી જાડેજાના વડપણ હેઠળ આયોજિત સમારોહમાં ધીણોધરના મહંત મહેશનાથજી, સરપંચ શિવજી ગોરડિયા, ન.તા. શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, કાનજી દાદા કાપડી, સામતભાઇ?આહીર, તેજમાલજી જાડેજા, ગોધડજી, શિવુભા જુગ્તાજી સોઢા, મહિપતસિંહ સોઢા તથા મહિપતસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પરસોત્તમ છાભૈયા, આભારવિધિ સંજયભાઇ રાવલે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer