માણસનો એક પગ શિક્ષણ, બીજો સંસ્કારનો

માણસનો એક પગ શિક્ષણ, બીજો સંસ્કારનો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : મોટી વિરાણી કોટડા રોડ પર આવેલા સંતકૃપા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સંતોના આશીર્વાદ, બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ તેમજ નખત્રાણા તાલુકાના એવોર્ડ વિજેતા પ્રાથમિક શાળાના શિક્ષકોના સન્માન કરવામાં આવ્યા હતા. સાથે શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કાનજી કાપડી તથા શાળાના ટ્રસ્ટી મુરૂભા જાડેજાએ કરતાં કહ્યું હતું કે બાળકોને માગે તે નહીં પણ બાળકને શું જરૂર છે તેની સમજણ આપો. કંચનબેન વાઘેલાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. દીપ પ્રાગટય બાદ ઉપસ્થિત સંતો દિલીપરાજા કાપડી, જગજીવન બાપુ, શાંતિદાસ મહારાજ, જગજીવનરામજી બાપુએ આશીર્વચન આપ્યા હતા. તેમણે ઈશ્વરની કૃપા થકી સારા કાર્ય થાય, શિસ્ત, શિક્ષણ, વિવેક સફળ જીવન જીવવાનો ઢંગ છે. શિસ્ત વગરનું શિક્ષણ નકામું છે. મા (જનની)નો એક સ્તર લેવાવાળો અધિકારી એટલે માસ્તર. શિક્ષણ, સંસ્કાર માણસના બે પગ છે. સારા ડગ ભરો તો પ્રગતિ, ઉન્નતિ થાય. એક પગ શિક્ષણ, એક પગ સંસ્કાર સમાન છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંતોના નામે વિદ્યાલયોમાં સદાય સંતકૃપા વરસે, વસંતથી પ્રકૃતિ, સંતોની વાણીથી સંસ્કૃતિ સુધરે તેમ કહ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પશ્ચિમ કચ્છમાં પછાતપણું દૂર થાય, અબડાસા વિસ્તારમાં વધુ એજ્યુકેશન મળે અને આ વિસ્તારનો વિદ્યાર્થી સનદી અધિકારી બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં આ વિદ્યાલયમાં કોમર્સ-આર્ટસ, સાયન્સના વર્ગો શરૂ થશે તેવી ટ્રસ્ટીઓએ વાત કરી હતી. તા.પં.ના પ્રમુખ નયનાબેન પટેલ, જિ.પં. ન્યાય સમિતિના ચેરમેન વસંત વાઘેલા, પૂર્વ તા. પં. પ્રમુખ ભરત સોમજિયાણી, રામુભા જાડેજા, ચંદનસિંહ રાઠોડ, ટી.ડી.ઓ., હનુભા પરમાર, એ.પી. ઠક્કર, અશ્વિન રૂપારેલ, મોહનભાઈ ચાવડા, રાજેશ પલણ, ખેંગાર રબારી, બાબુભાઈ ધનાણી હાજર રહ્યા હતા. સંચાલન રામુભા જાડેજા, અનિતાબેન સોની, કેતન પટેલે જ્યારે આભારવિધિ શ્રી ઝાલાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer