કંકુ છાંટી કંકોતરી લખજો.....માણેકસ્તંભ...

કંકુ છાંટી કંકોતરી લખજો.....માણેકસ્તંભ...
અંજાર, તા. 14 : કચ્છના આ ઐતિહાસિક શહેરમાં તહેવારોની ઉજવણી પણ પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. રાજાશાહીના વખતથી અંદાજે 250 વર્ષ અગાઉથી શહેરમાં હોળી-ધુળેટીના ઉત્સવની અનોખી ઉજવણી યોજાય છે. માનીતા પુત્ર ઇશાકચંદ્રના લગ્નની ઉજવણી માણવા માટે નગરના લોકો દૂર-દૂરથી આવતા હોય છે. આજે સાંજે શહેરના ભીડ ચોકથી ઇશાકચંદ્રના લગ્નના માણેક સ્થંભ સાથે ઇશાકચંદ્રનું પાત્ર ભજવનાર હરિલાલ પરસોતમ મેરુ (રે. અમદાવાદ) આવ્યા હતા. ભીડ ચોકથી શહેરના કંસારા બજાર, ઠાકર મંદિર, ગંગાબજાર, કસ્ટમ ચોક, શિવાજી રોડ પર આશાપુરા માતાજીના મંદિર પાસે વિધિવત માણેક સ્થંભ રોપાયો હતો. આ વિસ્તારમાંથી જુદી જુદી શાકભાજી, સુંડલા સાથે તોરણો બંધાયા હતા. બેન્ડપાર્ટી, ઢોલ નગારા સાથે ઇશાકચંદ્ર ઘોડા પર સવાર થઇને માણેક સ્થંભ રોપવા ગયા હતા. ઇશાકચંદ્રના લગ્ન નિમિત્તે સમિતિ દ્વારા ખાસ કંકોત્રી, નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ નિમંત્રણ દેશ-વિદેશમાં પણ અગાઉથી પાઠવવામાં આવે છે.આ લગ્ન મહોત્સવમાં વર્ષો અગાઉ દરેક જ્ઞાતિ-સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર નિયમિત ભાગ લેતા હતા પરંતુ સમય જતાં આ તહેવાર પણ માત્ર ઔપચારિક તરીકે રહ્યો છે. છેલ્લા બે દિવસ-હોળી-ધુળેટીના દિવસે આ પર્વની ઉજવણીમાં લોકો ઉપસ્થિત રહે છે. ધુળેટીના દિવસે વિધિવત ઇશાક-ઇશાકડીના લગ્ન પોંખવાની વિધિ બાદ ગગન નામની ખાસ મીઠાઇ લોકો એકબીજાને ખવડાવે છે. અગાઉના સમયમાં લોકો માનતા-ટેક રાખતા હતા પરંતુ આ પરંપરા હવે લુપ્ત થતી જાય છે. આ તહેવારની ઉજવણી નિમિત્તે શહેરમાં ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉજવણી માટે પ્રમુખ ચંદ્રકાન્તભાઇ માથકિયા, આશિષ પલણ, જગદીશ ઠક્કર, દિલીપ ઠક્કર, કિશોરભાઇ જોષી, અગ્રણી ભરતભાઇ શાહ, ગોવિંદભાઇ કોઠારી, અમરીષભાઇ કંદોઇ, કિશોર મણિલાલ, દીપક સોલંકી વગેરે સહયોગી બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer